Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

નાગપુરમાં વરસાદ બીજી ટી૨૦નો ખેલ બગાડી શકે છે

પ્રથમ મેચમાં પરાજય સાથે ભારત ટી૨૦ શ્રેણીમાં પાછળ : વરસાદને લીધે ભારતીય ટીમે પ્રેક્ટિસ સત્ર રદ કરવું પડ્યું, ટીમના ખેલાડીઓએ જીમમાં પરસેવો પાડ્યો

નાગપુર, તા.૨૨ : મોહાલી ટી૨૦ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા માટે ૩ મેચની સિરીઝમાં ટકી રહેવા માટે બીજી ટી૨૦ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો બુધવારે નાગપુર પહોંચી છે જ્યાં સાંજે અને ફરી મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. એટલું જ નહીં, ગુરુવારે સવારે વરસાદ પડ્યો અને આકાશ વાદળછાયું રહ્યું. છેલ્લા કેટલાક દિવસોના હવામાનને જોતા મેચના દિવસે એટલે કે શુક્રવારે વરસાદની સંભાવના છે, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની શ્રેણીમાં વાપસી પર પાણી ફરી શકે છે. ટીમ હાલમાં ૩ મેચની શ્રેણીમાં ૦-૧થી પાછળ છે.

સતત વરસાદ અને ભીની પિચને કારણે બંને ટીમ ગુરુવારે પ્રેક્ટિસ સેશન પણ કરી શકી ન હતી. વરસાદને કારણે ખેલાડીઓ સ્ટેડિયમમાં પહોંચ્યા ન હતા અને તેઓએ આખો સમય ઇન્ડોર પ્રવૃત્તિઓમાં વિતાવ્યો હતો. આ સિવાય ખેલાડીઓએ જીમમાં પરસેવો પાડ્યો હતો.

ગ્રાઉન્ડસમેને કવર ઉપાડ્યું હતું પરંતુ ઝરમર વરસાદની શક્યતાને કારણે તરત જ તેને પાછું મૂકી દેવામાં આવ્યું હતું. જો કે, વીસીએના અધિકારીનું માનીએ તો, તેઓ સુપર-શોપર્સનો ઉપયોગ કરી રહ્યા છે અને ખાતરી કરી રહ્યા છે કે ગ્રાઉન્ડમાં કોઈ લીકેજ ન થાય અને ત્રીજી મેચ સમયસર યોજાઈ શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ બાદ નાગપુરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ છે અને ચાહકો આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ જ કારણ છે કે ૪૫,૦૦૦ ક્ષમતાવાળા વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. આવી સ્થિતિમાં ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે કે મેચના દિવસે વરસાદ ન પડે. જો કે, વરસાદના કારણે મેચ રદ્દ થાય તો વીસીએ ચાહકોને પૈસા પરત કરવાનું પણ વિચારી રહી છે.

(7:23 pm IST)