Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ISI એજન્ટ લાલ મોહમ્મદ ઉર્ફે મોહમ્મદ દરજીની નેપાળમાં હત્યા

ISIના ઈશારે ભારતની નકલી નોટો સપ્લાય કરતો હતો : મોહમ્મદ દરજી ગાડીમાં પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમની પર ગોળીબાર કર્યો

કાઠમંડુ, તા.૨૨ : નેપાળની રાજધાની કાઠમંડુમાં આઈએસઆઈએજન્ટની હત્યા કરવામાં આવી છે. લાલ મોહમ્મદ ઉર્ફે મોહમ્મદ દરજી ગાડીમાં પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમની ઉપર ગોળીબાર કર્યો હતો. લાલ મોહમ્મદને બચાવવા માટે તેમની પુત્રી ધાબા ઉપરથી કૂદી ગઈ હતી પરંતુ ત્યાં સુધી હુમલામાં લાલ મોહમ્મદનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગઈ છે. લાલ મોહમ્મદ આઈએસઆઈના ઈશારે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ભારતીય નકલી ચલણી નોટો નેપાલ મંગાવતો હતો. તે આ નોટોને નેપાળથી ભારતમાં સપ્લાઈ કરાવતો હતો.

લાલ મોહમ્મદ ભારતની નકલી ચલણી નોટોનો મુખ્ય સપ્લાયર હતો. તે આઈએસઆઈએજન્ટ હતો. એટલું જ નહી તે ડીગેંગના સંપર્કમાં પણ હતો. આઈએસઆઈદ્વારા લાલ મોહમ્મદનો એક લોન્ચ પેડ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. તે નકલી નોટોના વેપાર ઉપરાંત આઈએસઆઈને તેના ઓપરેશન માટે લોજિસ્ટિક્સ સપ્લાય કરવાનું અને આઈએસઆઈએજન્ટોને આશ્રય આપવાનું કામ કરતો હતો.

લાલ મોહમ્મદ કાઠમંડુના ગોઠાટાર વિસ્તારમાં રહેતો હતો. ૧૯ સપ્ટેમ્બરના રોજ લાલ મોહમ્મદ પોતાની ગાડીમાં ઘરે આવ્યો હતો. તે જેવો ગાડીમાંથી નીચે ઉતરીને ઘરમાં પ્રવેશવા લાગ્યો કે હુમલાખોરોએ તરત જ તેની ઉપર ફાયરિંગ કર્યું. લાલ મોહમ્મદ ગાડીની આડ લઈને ભાગવા લાગે છે. હુમલાખોરો દોડીને તેની ઉપર ગોળીબાર કરે છે. આ દરમિયાન સીસીટીવીમાં દેખાય છે કે, એક મહિલા ધાબા ઉપરથી કુદીને હુમલાખોરોની તરફ દોડે છે પરંતુ ત્યાં સુધીમાં હુમલાખોરો પોતાનું કામ પુરૂ કરીને ફરાર થઈ જાય છે.

પોલીસ રેકોર્ડ પ્રમાણે નકલી નોટોનો વેપારી પટુવાની ૪ જુલાઈ ૨૦૦૭ના રોજ કાઠમંડુના અનામનગરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ હત્યાના આરોપમાં લાલ મોહમ્મદ સહિત નેપાળમાં ડીકંપનીના શાર્પ શૂટર મુન્ના ખાન ઉર્ફે ઈલ્તાફ હુસૈન અન્સારીની ધરપકડ કરી હતી. કોર્ટે બન્નેને ૧૦ વર્ષની કેદની સજા ફટકારી હતી.

લાલ મોહમ્મદના પરિવારજનોનું કહેવું છે કે, ૭ જુલાઈ ૨૦૧૭ના રોજ તેઓ જેલમાંથી છૂટીને આવ્યા હતા. કાઠમંડુના ગોઠાટારમાં તેમણે ગારમેન્ટનો વ્યવસાય શરૂ કર્યો હતો. પોલીસને શંકા છે કે તેમની ગુનાહુત પૃષ્ઠભૂમિના કારણે ગેંગવોરમાં હત્યા કરવામાં આવી છે.

 

(7:24 pm IST)