Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

કોંગ્રેસના અધ્યક્ષપદને લઈને રાહુલ ગાંધીનું મોટુ નિવેદન: કહ્યું -હું મારા નિર્ણય પર મક્કમ

કોંગ્રેસના અનેક નેતાઓ રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની જવાબદારી સ્વીકારવા સતત મનામણા કરી રહ્યા છે

નવી દિલ્હી : કોંગ્રેસના અધ્યક્ષપદને લઈને રાહુલ ગાંધીએ મોટુ નિવેદન આપ્યુ છે. ભારત જોડો યાત્રા વચ્ચે રાહુલ ગાંધીએ જણાવ્યુ છે કે હું મારા નિર્ણય પર અડગ છુ.આજે અશોક ગેહલોત પણ રાહુલ ગાંધીને અધ્યક્ષપદ માટે મનાવવા માટે કોચી પહોંચ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓ રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની જવાબદારી સ્વીકારવા સતત મનામણા કરી રહ્યા છે પરંતુ રાહુલ ગાંધીએ જણાવ્યુ છે કે તેઓ તેમના નિર્ણય અડગ છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યુ કે અધ્યક્ષપદને લઈને હું મારા નિર્ણય પર કાયમ છુ. વધુમાં તેમણે જણાવ્યુ હજુ ભારત જોડો યાત્રા શરૂ થઈ છે. લોકો આ યાત્રા સાથે જોડાઈ રહ્યા છે. આ યાત્રા સમગ્ર દેશમાં સફળ થશે. અમે તણાવવાળુ ભારત નથી ઈચ્છતા. દેશની જનતાને નફરત પસંદ નથી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ‘ભારત જોડો’ યાત્રા દ્વારા પાર્ટીની પકડ મજબુત કરવામાં વ્યસ્ત છે. એવામાં હવે પાર્ટી અધ્યક્ષની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એક પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતા રાહુલે સ્પષ્ટ કર્યું કે અત્યારે તેમનું ધ્યાન ભારત જોડો યાત્રા પર છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષનું પદ કોઈ પાર્ટી કે સંગઠનનું પદ નથી પરંતુ તે એક વિચારધારા છે. રાહુલે કહ્યું કે અમે તણાવમુક્ત ભારત ઈચ્છીએ છીએ અને કેન્દ્ર સરકારની ખોટી નીતિઓ સામે સતત લડી રહ્યા છીએ.

રાહુલે કહ્યું કે અમે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરતી સરકાર સામે લડી રહ્યા છીએ. આ દરમિયાન ‘ભારત જોડો’ યાત્રા લોકો સુધી પહોંચી રહી છે અને તેમની પીડા જાણી રહી છે. અમે આશા રાખીએ છીએ કે સમગ્ર ભારતમાં આ યાત્રા સફળ થશે. તેમણે કહ્યું કે આપણા દેશની જનતાને નફરત પસંદ નથી અને હાલમાં કેન્દ્ર સરકારની નીતિઓ આપણી જીવનશૈલી પર આક્રમણ કરી રહી છે.

વધુમાં રાહુલ ગાંધીએ જણાવ્યુ, ‘યાત્રાની સફળતા અમુક વિચારો પર આધારિત છે. આ વિચારોમાંના કેટલાક મુદ્દાઓ આ છે. જેમા – ભારત અખંડ છે , આંતરિક યુદ્ધમાં નથી, પોતાનાઓથી નારાજ નથી, નફરતથી ભરેલું નથી. મોટાભાગના ભારતીયો આ યાત્રાની પ્રશંસા અને સરાહના કરી રહ્યા છે.’ બે અન્ય મુદ્દા એવા છેકે જે આ યાત્રાનો જ એક ભાગ છે. જેમા એક છે બેરોજગારીનું પ્રમાણ જેનાથી આજે દેશના યુવાનો ઘણા પરેશાન છે. જ્યારે આમ જનતાને સ્પર્શતો બીજો મુદ્દો છે મોંઘવારી. જેનાથી દેશનો દરેક વર્ગ ઘણો જ પરેશાન છે.

રાહુલ ગાંધીએ કહ્યુ “અમે એવા મશીન સામે લડી રહ્યા છીએ જેણે ભારતના સંસ્થાકીય માળખા પર કબજો કરી લીધો છે. તેમની પાસે ઘણા પૈસા છે જેનાથી તે લોકોને ડરાવી-ધમકાવી શકે છે અને દબાણમાં રાખી શકે છે. જેના પરિણામો આપણે ગોવામાં જોયા છે. રાહુલે કહ્યુ આ યાત્રાનો ઉદ્દેશ્ય લોકોને ફરીથી એક થવા માટે કહેવાનો છે અને ફરી આપણુ પ્રિય અને સ્નેહથી ભરેલુ સભર ભારત બનાવવાનું છે.

આજે કોંગ્રેસની ચૂંટણી સમિતિએ પાર્ટી અધ્યક્ષની ચૂંટણી માટે શેડ્યૂલ જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં બે મોટા નામ સામે આવી રહ્યા છે જે પાર્ટીની ચૂંટણી દરમિયાન મોટો ચહેરો બની શકે છે. જેમાં શશિ થરૂર અને અશોક ગેહલોતનો સમાવેશ થાય છે. જો કે મનીષ તિવારી પણ આ રેસમાં ભાગ લઈ શકે છે. પાર્ટીના નવા અધ્યક્ષનું નામ 19 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

(9:05 pm IST)