Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

આ કપરા સમયમાં અમે ભૂટાનની સાથે છીએઃ નરેન્‍દ્રભાઇ મોદી

ભૂટાનના ચાર શ્રેષ્ઠ યુવાન સ્પેસ એન્જીન્યર ડિસેમ્બરમાં ભારત આવશે

ભૂટાન : ભૂટાનમાં રૂપે કાર્ડ તબક્કા- 2ના વર્ચ્યુઅલ પ્રારંભ દરમિયાન પ્રધાનમંત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, તમામ ભારતીયોની જેમ મારા મનમાં પણ ભૂટાન માટે વિશેષ પ્રેમ અને મિત્રતા છે, અને એટલા માટે જ્યારે પણ હું આપને મળુ છું ત્યારે પોતાપણાની એક વિશેષ અનુભૂતિ થાય છે. ભારત અને ભૂટાનના વિશેષ સંબંધો અને આપણી વિશેષ મિત્રતા બંને રાષ્ટ્રો માટે તો અમૂલ્ય છે જ પણ સાથે-સાથે વિશ્વ માટે પણ એક અજોડ ઉદાહરણ પણ છે.

ગત વર્ષની મારી ભૂટાન યાત્રા અનેક સ્મરણોથી સભર છે. એક રીતે કહીએ તો એક-એક મિનિટે કોઈના કોઈ નવી ઘટના, નવો ઉમંગ, નવો ઉત્સાહ ધરાવતો એ પ્રવાસ સ્વયં એક યાદગાર પ્રસંગ હતો. અમે આપણા સહયોગમાં ડિજિટલ, અંતરિક્ષ અને ઉભરતી ટેક્નોલોજી જેવાં નવાં ક્ષેત્રોનો સમાવેશ કરવા માટે મહત્વપૂર્ણ પહેલ કરી હતી. 21મી સદીમાં બંને દેશની વચ્ચે અને ખાસ કરીને આપણી યુવા પેઢીઓના માટે એ કનેક્ટિવિટીનાં નવાં સૂત્રો બની રહેશે. મારા ભૂટાન પ્રવાસ દરમ્યાન આપણા બંને દેશ વચ્ચે રૂપે કાર્ડ યોજનાના પહેલા ચરણની શરૂઆત કરવામાં આવી હતી.

તેનાથી ભારતીય નાગરિકોને ભારતીય બેંકો તરફથી જારી કરવામાં આવેલાં કાર્ડથી ભૂટાનમાં ચૂકવણી કરવાની સુવિધા પ્રાપ્ત થઈ હતી. મને એ જાણીને આનંદ થયો છે કે ભૂટાનમાં અત્યાર સુધીમાં 11,000 સફળ આર્થિક વ્યવહારો થઈ ચૂક્યા છે. જો કોવિડ-19ની મહામારી ના હોત તો આ આંકડો ચોક્કસપણે તેનાથી ઘણો વધારે હોત.

આજે આપણે આ મહત્વાકાંક્ષી યોજનાનો બીજો તબક્કો શરૂ કરી રહ્યા છીએ અને તેની સાથે અમે રૂપે નેટવર્કમાં ભૂટાનનુ એક પૂર્ણ સહયોગી તરીકે સ્વાગત કરીએ છીએ. આ સિધ્ધિ માટે જે ભૂટાની અને ભારતીય અધિકારીઓએ પરિશ્રમ કર્યો છે તે તમામને હું અભિનંદન આપુ છું. આજ પછી હવે ભૂટાનની નેશનલ બેંક તરફથી જારી કરવામાં આવેલાં રૂપે કાર્ડથી કાર્ડ ધારક ભારતમાં 1 લાખથી વધુ એટીએમ અને 20 લાખથી વધુ પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલની સુવિધાનો ઉપયોગ કરી શકશે. મને વિશ્વાસ છે કે તેનાથી ભૂટાનના પ્રવાસીઓને ભારતમાં શિક્ષણ, આરોગ્ય, તીર્થ યાત્રા, અથવા તો પ્રવાસમાં ઘણી જ સાનુકૂળતા રહેશે.

PMએ કહ્યુ કે, તેનાથી ભૂટાનમાં ડિજિટલ આર્થિક વ્યવહારો વધારવામાં સહાય થશે. વિતેલાં થોડાંક વર્ષોમાં ભારતમાં ડિજિટલ વ્યવહારોમાં વધારો થવાને કારણે કરોડો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યુ છે. સ્પેસ સેકટર આપણી વચ્ચે કનેક્ટિવિટીને મજબૂત કરવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ હોય તેવુ વધુ એક ક્ષેત્ર છે. ભારતે હંમેશાં સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ વિકાસનો હેતુ પૂર્ણ કરવા માટે કર્યો છે. ભારત અને ભૂટાન આ ઉદ્દેશમાં સહિયારી કામગીરી કરે છે.

ગયા વર્ષે મેં ભૂટાનમાં દક્ષિણ એશિયા સેટેલાઈટના ઉપયોગ માટે ગ્રાઉન્ડ અર્થ સ્ટેશનનુ ઉદ્ઘાટન કર્યુ હતું. મને એ વાતનો આનંદ છે કે આ સ્ટેશનની મદદથી ભૂટાન પ્રસારણ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે સાઉથ એશિયા સેટેલાઈટનો વધુ અસરકારક ઉપયોગ કરી શક્યુ છે. કાલે આપણે આઉટર સ્પેસના શાંતિપૂર્ણ ઉપયોગમાં સહયોગ વધારવાના ઉદ્દેશ સાથે એક દસ્તાવેજના ફ્રેમવર્ક ઉપર હસ્તાક્ષર કર્યા છે. તેનાથી બંને દેશોની અલગ-અલગ સંસ્થાઓ વચ્ચે સહયોગનો માર્ગ ખુલી જશે.

ભારતે હજુ હમણાં જ પોતાના અંતરિક્ષ ક્ષેત્રને ખાનગી એકમો માટે ખુલ્લુ મુક્યુ છે અને એ મારફતે ખૂબ મોટો સુધારો કર્યો છે. તેનાથી ક્ષમતા, ઈનોવેશન અને કૌશલ્યને પ્રોત્સાહન મળશે. મને એ બાબતનો વિશેષ આનંદ છે કે આવતા વર્ષે ભૂટાન તરફથી સેટેલાઈટને અંતરિક્ષમાં મોકલવા માટેની કામગીરી ઝડપથી ચાલી રહી છે. તેના માટે ભૂટાનના ચાર શ્રેષ્ઠ યુવાન સ્પેસ એન્જીન્યર ડિસેમ્બરમાં ભારત આવશે. હું આ ચારે જવાનોને ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવુ છું. હું જાણુ છું કે ભૂટાન નરેશ પોતાના દેશના વિકાસમાં સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા માટે મનમાં ખૂબ ઈચ્છા પણ રાખતા હતા અને તેને પ્રોત્સાહન પણ આપતા હતા. અને તેમનુ પોતાનુ એક વિઝન પણ છે.

(11:24 am IST)