Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ટેડ્રોસ અધનોમે કોરોનાની લડાઈમાં સાથ બદલ ભારતનો આભાર માન્યો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ભારતથી ખુશ : ડબલ્યૂએચઓના વડાએ ટ્વીટ કરી કોવિડ-૧૯ સામેના જંગમાં સમર્થન માટે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો

સંયુક્તરાષ્ટ્ર, તા. ૨૩ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યૂએચઓ)ના પ્રમુખ ટેડ્રોસ અધનોમે કોરોના સામેની લડાઈમાં સતત સાથ આપવા માટે ભારત અને વડાપ્રધાન મોદી નો આભાર માન્યો છે. ભારતે એશિયાના પાડોશી દેશો સહિત બ્રાઝિલ, મોરક્કો જેવાં દેશોને વેક્સિન મોકલી છે. અધનોમે એક ટ્વીટ કરીને લખ્યું કે, ગ્લોબલ કોવિડ-૧૯ રિસ્પોન્સને સતત સપોર્ટ આપવા માટે ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. જો આપણે સાથે મળીને કામ કરીશું તો વાઈરસને રોકી શકીશું અને જિંદગીઓ બચાવી શકીશું.

ડબલ્યૂએચઓ ચીફની ટ્વીટ એવા સમયે આવી છે જ્યારે દુનિયાના અનેક દેશોએ ભારતનો આભાર માન્યો છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ પણ ભારતની વેક્સિનને સંજીવની બૂટી જણાવતાં ભારતનો આભાર માન્યો હતો. નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન અને માલદીવે પણ ભારતે વેક્સિનના લાખો ડોઝ મોકલ્યા છે. ઉપરાંત મોરિશિયસ, મ્યાનમાર અને સેશેલ્સમાં પણ વેક્સિન મોકલવામાં આવશે. શ્રીલંકા અને અફઘાનિસ્તાનને પણ રસી મોકલવાની તૈયારી છે. બાંગ્લાના વડા પ્રધાન શેખ હસીનાએ પણ મોદીને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિડ ૧૯ રસીના ૨૦ લાખ ડોઝ મોકલવા માટે આભાર માન્યો છે. તેઓએ કહ્યું હતું કે, હું પીએમ મોદીને ગિફ્ટ તરીકે વેક્સિન મોકલવા માટે આભાર માનું છું. મને આશા છે કે બાંગ્લાદેશને કોવિડ ૧૯ મહામારીથી છૂટકારો મળશે.

(8:28 pm IST)