Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

કોવિડથી જીવન માત્ર એક નશ્‍વરદેહ સિવાય કશુ જ નથી : જીવન તેનું મૃત્‍યુ નિશ્‍ચિત છે

- મુંબઇની જૈન યુવતિઆ વસ્‍તુને જીવનમાં ઉતારી સંયમના પંથ જવા પ્રયાસ કર્યુ : કોવિડે કોઈકના જીવનને કાયમ માટે પરિવર્તનના પંથે વાળી દીધો હોય એવો પ્રસંગ મુલુંડમાં બન્યો છે: આજે સવારે છ વાગ્યાથી મુલુંડના ઝવેર રોડ દેરાસરમાં ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબ, આચાર્યશ્રી અક્ષયબોધિસૂરીશ્વરજી, આચાર્યશ્રી ધર્મયશસૂરીશ્વરજી, આચાર્યશ્રી મહાબોધિસૂરીશ્વરજી, આચાર્યશ્રી દેવકીર્તિસૂરીશ્વરજી, આચાર્યશ્રી યશપ્રેમસૂરીશ્વરજી તેમ જ ૧૦૦ જેટલાં સાધ્વીજી ભગવંતોની નિક્ષામાં તેની દીક્ષાનો કાર્યક્રમ યોજાયેલ છે.

મુલુંડની ૧૮ વર્ષની ભક્તિ અભય શાહ આજે સંયમ પંથે સિધાવી રહી છે એની પાછળનું મૂળ કારણ કોરોના છે. બધું જ નિરર્થક અને ક્ષણિક છે એ સત્ય કોવિડમાં તેને પાકા પાયે સમજાઈ ગયું

કોવિડે જુદા-જુદા પ્રકારની શીખ લગભગ દરેકેદરેક વ્યક્તિને આપી છે. વ્યક્તિ ઇચ્છે તો પણ કોવિડે શીખવેલા પાઠ ભૂલી શકે એમ નથી. જોકે કોવિડે કોઈકના જીવનને કાયમ માટે પરિવર્તનના પંથે વાળી દીધો હોય એવો પ્રસંગ મુલુંડમાં બન્યો છે. મુલુંડમાં રહેતી ૧૮ વર્ષની ભક્તિ અભય શાહ આજે સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરશે. છેલ્લા એક અઠવાડિયાથી તેની દીક્ષાને લગતા જુદા-જુદા કાર્યક્રમો પણ કોરોનાના નિયમોનું પાલન કરીને શરૂ થઈ ગયા છે. પૂજ્ય આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજસાહેબના સમુદાયનાં પૂજ્ય સાધ્વીજી ભગવંત શ્રી ઉજ્જવલધર્માશ્રીજી મહારાજસાહેબની તે શિષ્ય બનશે. આજે સવારે છ વાગ્યાથી મુલુંડના ઝવેર રોડ દેરાસરમાં ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબ, આચાર્યશ્રી અક્ષયબોધિસૂરીશ્વરજી, આચાર્યશ્રી ધર્મયશસૂરીશ્વરજી, આચાર્યશ્રી મહાબોધિસૂરીશ્વરજી, આચાર્યશ્રી દેવકીર્તિસૂરીશ્વરજી, આચાર્યશ્રી યશપ્રેમસૂરીશ્વરજી તેમ જ ૧૦૦ જેટલાં સાધ્વીજી ભગવંતોની નિક્ષામાં તેની દીક્ષાનો કાર્યક્રમ યોજાયેલ છે.
કોવિડ પહેલાં સુધી આટલું જલદી તે સંયમપંથે જવાનો નિર્ણય લેશે એની કલ્પના ભક્તિને પોતાને પણ નહોતી. દસમાનું ભણવાનું પૂરુ થયું અને અગિયારમાંનું આર્ટ્સમાં ઍડ્મિશન લીધું, પણ કોવિડને કારણે પછી તો બધું એજ્યુકેશન ઑનલાઇન જ ચાલતું હતું. જોકે સાથે ઘરમાં ધર્મપ્રિય વાતાવરણ હતું. ધર્મના સંસ્કારો વચ્ચે અવારનવાર કોવિડને કારણે લોકોની લાચારીના સમાચારો સાંભળી-સાંભળીને ભક્તિના મનમાં જોરદાર વલોપાત સર્જાતો. આનો ઉકેલ શું? કેવી રીતે આમાંથી છુટાય? આ વિચારોમાં ગુરુમહારાજ પાસે જવાનું બન્યું અને એક વાર નક્કી કરી લીધું કે હવે તો સંસારત્યાગ એ જ જીવનનો ઉદ્ધાર કરવાનું પહેલું ચરણ બનશે. ભક્તિએ ‘મિડ-ડે’ સાથેની વાતચીત દરમ્યાન કહ્યું હતું કે ‘મારા પરિવારમાં પહેલેથી જ ધાર્મિક વાતાવરણ છે એટલે અમુક સિદ્ધાંતો અને નિયમો મારા માટે દિનચર્યાનો હિસ્સો છે. કોવિડમાં જે ન્યુઝ સાંભળવા મળતા હતા એ હચમચાવી નાખનારા હતા. આજે આ ભાઈ નથી રહ્યા, કાલે પેલા ભાઈ નથી રહ્યા. હમણાં જ મળેલી વ્યક્તિ અચાનક જતી રહી જેવી વાતોએ મને એક વસ્તુ વિચારવા પર મજબૂર કરી દીધી કે ખરેખર દુનિયામાં બધું જ કેટલું ક્ષણિક છે. એમાં ગુરુમહારાજનો સાથ મળ્યો. શરીર આપણું નથી, જીવનનો ભરોસો નથી એ બધાને દેખાતું હતું; પણ એ પછીયે લોકોની દોટ ચાલુ જ રહે છે. મારે પર્મનન્ટ હૅપીનેસ જોઈતી હતી જેમાં એક્ઝિટ જેવો શબ્દ આવે જ નહીં. એમાં ભગવાન મહાવીરનો આ માર્ગ મને વધુ અટ્રૅક્ટ કરી ગયો. એની સૂક્ષ્મતા મને જોરદાર સ્પર્શી ગઈ.’
જૈન સાધુજીવનની કુદરતને લઈને ચાલવાની બાબત પણ ભક્તિને ખૂબ ગમે છે. તે કહે છે, ‘નાનામાં નાના જીવની રક્ષા કરવામાં જૈન સાધુજીવનમાં પ્રકૃતિની ઘણા મોટા પાયે રક્ષા થતી હોય છે. સંયમ જીવનમાં રહેલી માનવતા મને સ્પર્શી ગઈ છે. મોટરનો ઉપયોગ ન કરે, ખાવાનો બગાડ ન કરે, લીલી વનસ્પિતિને સ્પર્શે પણ નહીં એટલે હાનિ પહોંચાડવાનો તો પ્રશ્ન જ નથી. ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ નહીં કરવાનો. પાણીનો ઘીની જેમ વપરાશ કરે. વધારાની વસ્તુઓ ન રાખે. મારી દૃષ્ટિએ જૈન શ્રમણો સર્વાધિક ઇકો-ફ્રેન્ડ્લી જીવનશૈલી જીવી રહ્યા છે. પ્રકૃતિનું શ્રેષ્ઠતમ જતન તેમની દિનચર્યાથી થઈ જાય છે. હું તો પોતાને ભાગ્યશાળી માનું છું કે સમય રહેતાં મને આ વાત સમજાઈ ગઈ અને હું ઉચિત નિર્ણય લઈ શકી.’

(2:10 pm IST)