Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

નેતાજી સુભાષચંદ્ર બોઝના બોડીગાર્ડ લક્ષ્મીદાસ દાણી પોરબંદરના હતા

સુભાષચંદ્ર બોઝને કલકત્તામાં નજરકેદ કરી લીધા ત્યારે તેમને મુકત થઇ નાસી છૂટવામાં સુભાષચંદ્ર બોઝના ભત્રીજા ઉપરાંત લક્ષ્મીદાસ દાણીએ અગત્યનો ભાગ ભજવ્યો હતો

નવી દિલ્હી : આજે સમગ્ર દેશ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મ જયંતી ઉજવી રહ્યું છે અને નેતાજીના દેશ માટેના યોગદાનને યાદ કરી રહ્યું છે ત્યારે પોરબંદરના વતની અને નેતાજીને અંગ્રેજોની નજરકેદમાંથી મુકત થવામાં મદદ કરનાર નેતાજીના બોડીગાર્ડને તેમના પંથકમાં આજે પણ લોકો યાદ કરી રહ્યા છે.

આઝાદીની ચળવળમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ સહિત અનેક નેતાઓ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુકત કરાવવા આંદોલનો ચલાવી રહ્યા હતા ત્યારે પોરબંદર જીલ્લાની ભાગોળે આવેલા વાંસજાલીયાના લોહાણા વેપારીના પુત્ર લક્ષ્મીદાસ દાણીને પોરબંદરવાસીઓ યાદ કરી રહ્યા છે.  લક્ષ્મીદાસ દાણી તેમના યૌવનકાળમાં પોરબંદર આવી ગયા હતા અને પોરબંદરની સ્ટેટ લાઇબ્રેરી પાસે નગીનદાસ મોદીના અખાડામાં તેઓ અખાડેબાજ હતા. વેપારીના દિકરા હોવા છતાં વેપારમાં જાજો રસ ન હોવાને લીધે લગ્નપ્રસંગમાં બેન્ડવાજા વગાડવા જતા હતા. એવામાં તેમને આઝાદીના આંદોલનમાં રસ પડતા તેઓ દક્ષિણના હરીપુરામાં કોંગ્રેસના અધિવેશનમાં ગયા હતા અને ત્યાં સ્વયંસેવક તરીકે જોડાઇ ગયા હતા અને ત્યારે હરીપુરા કોંગ્રેસના પ્રમુખ સુભાષચંદ્ર બોઝની આંખોમાં આ અખાડેબાજ લક્ષ્મીદાસ દાણી નામનો યુવાન વસી જતા તેમણે તેને પોતાના બોડીગાર્ડ તરીકે પસંદ કરી લીધો હતો.

જયારે અંગ્રેજોએ સુભાષચંદ્ર બોઝને કલકત્તામાં નજરકેદ કરી લીધા ત્યારે સુભાષચંદ્ર બોઝને આ નજરકેદમાંથી મુકત થઇ નાસી છૂટવામાં સુભાષચંદ્ર બોઝના ભત્રીજા ઉપરાંત આ લક્ષ્મીદાસ દાણીએ અગત્યનો ભાગ ભજવ્યો હતો. સુભાષચંદ્ર બોઝને લક્ષ્મીદાસ દાણીએ કાબુલ સુધી પહોંચાડયા હતા અને કાબુલથી બોઝના ભત્રીજાએ નેતાજીને બર્લીન સુધી પહોંચાડયા હતા. નેતાજીને કાબુલ સુધી પહોંચાડી પરત ફરતી વખતે પેશાવરથી અંગ્રેજોએ લક્ષ્મીદાસ દાણીની ધરપકડ ધરી તેમને જેલમાં નાખી દીધા હતા અને ત્યાં તેમને ખૂબ જ શારીરિક કષ્ટ આપવામાં આવ્યું હતું. એટલે જયારે લક્ષ્મીદાસ દાણી દેશ આઝાદ થયા પછી 1948 ના અરસામાં પોરબંદર આવ્યા ત્યારે તેમના બંને પગ હંમેશને માટે ક્ષતિગ્રસ્ત થઇ ગયા હતા.
 
લક્ષ્મીદાસ દાણીએ સુભાષજીના જીવન ચરીત્ર પર ગુજરાતીમાં એક પુસ્તક પણ લખેલું છે અને તેમને સરકાર દ્વારા તામ્રપત્ર પણ આપવામાં આવ્યું છે. જીવનના અંતિમ દિવસોમાં તેઓ સુરેન્દ્રનગરના એક વૃદ્ધાશ્રમમાં જીવન વિતાવતા હતા અને ત્યાં જ આ વીરસપૂત લક્ષ્મીદાસ દાણીનું અવસાન થયું હતું. આજીવન અપરણિત રહેનાર લક્ષ્મીદાસ દાણીને આજે પણ પોરબંદરવાસીઓ તેમની સ્વતંત્રતાની લડાઇ માટેના યોગદાન માટે યાદ કરે છે.

(3:28 pm IST)