Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સીએનએનથી લઇને વોશિંગ્‍ટન પોસ્‍ટ સુધી કર્મચારીઓને પાણીચા આપવાની જાહેરાત

મીડિયા સંસ્‍થા ઉપર પણ છટણીનો હથોડો વિંઝાયો : પ્‍યુ રિસર્ચ સેન્‍ટર દ્વારા ૨૦૨૧ના અભ્‍યાસ મુજબ ૨૦૦૮ અને ૨૦૨૦ વચ્‍ચે યુએસ મીડિયા સંસ્‍થાઓમાં ૧૧૪,૦૦૦ થી ૮૫,૦૦૦ પત્રકારોને છુટા કરવામાં આવ્‍યા છે

વોશિંગ્‍ટન તા. ૨૨ : વિશાળ આઈટી કંપનીઓમાં છટણીનો માર હવે મીડિયા સંસ્‍થાઓ સુધી પહોંચ્‍યો છે. વર્તમાન પડકારો અને આર્થિક સ્‍તરે અસ્‍થિરતાના કારણે અમેરિકન મીડિયા પણ આ દિવસોમાં મુશ્‍કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. દરમિયાન, સીએનએનથી લઈને વોશિંગ્‍ટન પોસ્‍ટ સુધીની સંસ્‍થાઓમાં છટણીની જાહેરાત કરવામાં આવી છે.

વોક્‍સ મીડિયા, વોક્‍સ અને ધ વર્જ વેબસાઇટ્‍સ તેમજ લેન્‍ડમાર્ક ન્‍યૂ યોર્ક મેગેઝિન અને તેના ઓનલાઈન પ્‍લેટફોર્મના માલિકે શુક્રવારે જાહેરાત કરી હતી કે તે તેના સાત ટકા સ્‍ટાફની છટણી કરી રહી છે. વોક્‍સ મીડિયાના સીઈઓ જિમ બેંકોફે જાહેરાત કરી હતી કે ઉદ્યોગને અસર કરતા પડકારરૂપ આર્થિક વાતાવરણને કારણે, અમે તમામ વિભાગોમાં લગભગ સાત ટકા કર્મચારીઓની ભૂમિકાઓને દૂર કરવાનો મુશ્‍કેલ નિર્ણય લીધો છે.

અહેવાલો અનુસાર, વોક્‍સ મીડિયાના સીઈઓ દ્વારા આ જાહેરાતની ૧૫ મિનિટ પછી, કર્મચારીઓને સમાપ્તિ વિશે જાણ કરવામાં આવી હતી. કંપનીએ ૧૯૦૦માંથી લગભગ ૧૩૦ કર્મચારીઓને બહારનો રસ્‍તો બતાવ્‍યો. વોક્‍સ મીડિયાના પ્રવક્‍તાએ કહ્યું કે છૂટા કરાયેલા કર્મચારીઓ માટે એડવાન્‍સ પગારની જાહેરાત કરવામાં આવી છે. પ્‍યુ રિસર્ચ સેન્‍ટર દ્વારા ૨૦૨૧ના અભ્‍યાસ મુજબ, ૨૦૦૮ અને ૨૦૨૦ વચ્‍ચે યુએસ મીડિયા સંસ્‍થાઓમાં ૧૧૪,૦૦૦ થી ૮૫,૦૦૦ પત્રકારોને છૂટા કરવામાં આવ્‍યા છે.

વોક્‍સ મીડિયાની જેમ, વોશિંગ્‍ટન પોસ્‍ટના કર્મચારીઓ પર છટણીની તલવાર લટકી રહી છે. કંપનીના સીઈઓ ફ્રેડ રેયાને ગયા મહિને કહ્યું હતું કે ઘણી જગ્‍યાઓ કાપવામાં આવશે. છટણીથી લગભગ ૨,૫૦૦ પત્રકારોને અસર થવાની સંભાવના છે. અગાઉ, બે પુલિત્‍ઝર એવોર્ડ જીતનાર વોશિંગ્‍ટન પોસ્‍ટ મેગેઝિન પણ ડિસેમ્‍બરમાં બંધ થઈ ગયું હતું. બીજી તરફ, વાઈસ મીડિયા સીઈઓ નેન્‍સી ડુબુકે શુક્રવારે જણાવ્‍યું હતું કે તેમની કંપની વેચાણ માટે તૈયાર છે.

તે જ સમયે, થોડા મહિના પહેલા સીએનએનએ પણ તેના સેંકડો કર્મચારીઓને બહારનો રસ્‍તો બતાવ્‍યો હતો. જોકે, કંપની દ્વારા આ આંકડાની પુષ્ટિ કરવામાં આવી નથી. વધુમાં, CNNની નવી પેરેન્‍ટ કંપનીએ નેટવર્કની$૧૦૦ મિલિયનની સ્‍ટ્રીમિંગ સેવાને અચાનક બંધ કરી દીધી.

(11:00 am IST)