Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

બજેટ ૨૦૨૩થી પગારદાર વર્ગની પાંચ અપેક્ષાઓ : આવકવેરાની મર્યાદા વધશે ?

પગારદાર વર્ગના કરદાતાઓને બજેટ ૨૦૨૩થી ઘણી આશા છે

નવી દિલ્‍હી તા. ૨૩ : કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ સામાન્‍ય બજેટ રજૂ કરશે. પગારદાર વર્ગના કરદાતાઓને આ બજેટથી આવકવેરામાં રાહતની અપેક્ષા છે. આવકવેરા વિભાગના જણાવ્‍યા અનુસાર, ૨૦૨૨માં ફાઈલ કરવામાં આવેલા ઈન્‍કમ ટેક્‍સ રિટર્ન (ITR)ના લગભગ ૫૦ ટકા પગારદાર વર્ગ દ્વારા ફાઈલ કરવામાં આવ્‍યા હતા. એટલા માટે આવા કરદાતાઓને આશા છે કે સરકાર બજેટ ૨૦૨૩માં તેમના માટે કેટલીક ખાસ જાહેરાત કરશે. તાજેતરમાં, નાણામંત્રીએ કહ્યું હતું કે તેઓ મધ્‍યમ વર્ગ પરના દબાણને સમજે છે. સરકાર તેમના હિતમાં આગળના પગલાં પણ લેશે.

વધતી જતી મોંઘવારીના કારણે જીવન ખર્ચમાં વધારો થયો છે. આવી સ્‍થિતિમાં, કરદાતાઓ નવી કર પ્રણાલી હેઠળ આવક મુક્‍તિ મર્યાદા રૂ. ૨.૫ લાખથી વધારીને રૂ. ૫ લાખની અપેક્ષા રાખી રહ્યા છે. ૨.૫ થી ૫ લાખ સુધીના પગાર પર ૫% ટેક્‍સ અને ૫ થી ૭.૫ લાખ સુધીના પગાર પર ૨૦% ટેક્‍સ ચૂકવવો પડશે.

કરદાતાઓને આવકવેરાની કલમ 80D હેઠળ દર વર્ષે રોકાણ પર રૂ. ૧.૫ લાખની કપાત મળે છે. કરદાતાઓ આ મર્યાદા વધારવાની માંગ કરી રહ્યા છે. જો સરકાર બજેટમાં આ અંગે નિર્ણય લેશે તો કરદાતાઓને મોટી રાહત મળશે. PPF, ELSS, NSC, NPS, Bank FD જેવા બચત વિકલ્‍પો આ હેઠળ આવે છે.

આવકવેરાની કલમ ૧૬ (ia) હેઠળ, પગારદાર વર્ગને દર વર્ષે રૂ. ૫૦,૦૦૦ની પ્રમાણભૂત કપાત મર્યાદા હેઠળ મુક્‍તિ મળે છે. પગારદાર વર્ગ પણ આમાં વધારાની અપેક્ષા રાખી રહ્યો છે. તેમને આશા છે કે સરકાર સ્‍ટાન્‍ડર્ડ ડિડક્‍શન લિમિટ ૫૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૭૫,૦૦૦ રૂપિયા કરી શકે છે.

નોકરીયાત લોકોને આશા છે કે સરકાર નિવૃત્તિ યોજનાઓમાં રોકાણ કરવા માટે કર મુક્‍તિ મર્યાદા વધારશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આવકવેરાની કલમ 80CCD (1B) હેઠળ મુક્‍તિ મર્યાદા ૫૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૧ લાખ રૂપિયા કરી શકે છે.

કલમ 80D હેઠળ સ્‍વાસ્‍થ્‍ય વીમાનો દાવો કરવાની વર્તમાન મર્યાદા રૂ. ૨૫,૦૦૦ છે. આશા છે કે આ બજેટમાં સરકાર તેને વધારીને ૫૦,૦૦૦ રૂપિયા કરશે. આ સિવાય વૃદ્ધો માટે છૂટની મર્યાદા ૫૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૭૫,૦૦૦ રૂપિયા કરવામાં આવી શકે છે.

(12:00 pm IST)