Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

હવે, ૭૦ વર્ષના વૃદ્ધને આઠ કિલોમીટર સુધી નિર્દયી કારચાલકે ઘસડયા

દિલ્‍હીના કઝાવલા કેસનું પુનરાવર્તન થયું હોય તેમ

પટના,તા.૨૩: દિલ્‍હીના કઝાવલા કેસનું પુનરાવર્તન થયું હોય તેમ તાજેતરમાં મોતિહારી સ્‍થિત ૭૦ વર્ષના વયોવૃદ્ધને કારચાલકે લગભગ આઠ કિલોમીટર સુધી ઘસેડયા હતા, જેમાં વૃદ્ધનું મોત થયા પછી આરોપી ઘટનાસ્‍થળે ફરાર થઈ ગયો હતો.

ફૂલસ્‍પીડ કારે એક વૃદ્ધને ટક્કર માર્યા પછી બોનેટમાં ફસાઈ ગયેલા વૃદ્ધને આઠ કિલોમીટર સુધી ઘસેડવામાં આવ્‍યા હતા. આ ઘટનામાં વૃદ્ધનું કરુણ મોત થયું હતું, જયારે ઘટનાસ્‍થળેથી આરોપી ફરાર થયા પછી તેની પોલીસે તપાસ હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્‍યું હતું.

આરોપી ડ્રાઈવર વૃદ્ધને આઠ કિલોમીટર સુધી તો ઘસેડતો રહ્યો હતો, જેમાં બ્રેક માર્યા પછી વૃદ્ધ રસ્‍તા પર પડી ગયા પછી તેને કચડી નાખવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ ડ્રાઈવર કારને પિપરાકોઠી નજીક છોડીને ભાગી ગયો હતો. ૨૦મી જાન્‍યુઆરીના શુક્રવારે સાંજના ચંપારણ જિલ્લામાં આ ઘટના ઘટી હતી. બનાવ પછી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોતિહારી સદર હોસ્‍પટલમાં લઈ જવામાં આવ્‍યો હતો.

મૃતદેહની ઓળખ શંકર ચૌધરી (૭૦) તરીકે કરવામાં આવી છે, જે બંગારા ગામના રહેવાસી છે. અકસ્‍માત વખતે વૃદ્ધ પોતાની સાઈકલને લઈને નેશનલ હાઈ-વે ૨૮ પરથી કોટવા નજીકના બંગારા રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્‍યારે એ વખતે ત્‍યાં હાજર રહેલા લોકોએ કહ્યું હતું કે અકસ્‍માત પછી વૃદ્ધે કારચાલકને રોકવાની વિનંતી કર્યા પછી પણ તે ઊભો રહ્યો નહોતો અને કાર ચલાવી રાખી હતી.

આ અકસ્‍માતમાં કારને જપ્ત કરવામાં આવી છે તથા કારમાલિકના નામની માહિતી પ્રાપ્ત કરવામાં આવી છે. શુક્રવારે કાર ગોપાલગંજ તરફ જઈ રહી હતી ત્‍યારે કારચાલકે વૃદ્ધને લગભગ એક કલાક સુધી બોનટથી ઘસેડતો રહ્યો હતો. એટલું જ નહીં, સ્‍થાનિક લોકોએ વાહનનો પીછો કર્યા પછી પોલીસને જાણ કરી હતી, એમ પિંપરાકોઠી પોલીસ સ્‍ટેશનના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતું. ડ્રાઈવરની શોધખોળ આદરવામાં આવી છે, જયારે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. આ કેસમાં સ્‍થાનિક લોકોએ રસ્‍તા રોકો કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે તથા આરોપી સામે કડક કાર્યવાહીની માગણી કરી છે.

(11:46 am IST)