Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સુરક્ષા દળોને મળી મોટી સફળતાઃ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીની ધરપકડ

૨૦૧૭થી સક્રિય હતો અને વિવિધ ગુનાહિત કેસોમાં સંડોવાયેલો હતો

શ્રીનગર,તા.૨૩: પોલીસ અને સેનાએ જમ્‍મુ અને કાશ્‍મીરના શોપિયાંમાં હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના આતંકવાદીઓમાંથી એક નાસીર અહેમદ શેર ગોજરી ઉર્ફે કાસિમ ભાઈની ધરપકડ કરી હતી. તે ૨૦૧૭ થી સક્રિય હતો અને વિવિધ ગુનાહિત કેસોમાં સંડોવાયેલો હતો. જમ્‍મુ અને કાશ્‍મીર પોલીસે જણાવ્‍યું હતું કે કેસ નોંધવામાં આવ્‍યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. ઘાટીમાં સુરક્ષા દળો સતત આતંકનો ખાત્‍મો કરવામાં લાગેલા છે. તેની સાથે આતંકવાદી હુમલા પણ થઈ રહ્યા છે. દરમિયાન, જમ્‍મુ અને કાશ્‍મીરના ઇદગાહ વિસ્‍તારમાં, એજાઝ અહમદ દેવા નામનો એક વ્‍યક્‍તિ આતંકવાદીઓ દ્વારા ફેંકવામાં આવેલા ગ્રેનેડમાં શ્રેપનલથી વાગવાથી ઘાયલ થયો હતો.

શ્રીનગર પોલીસે કહ્યું કે ઘાયલ વ્‍યક્‍તિને હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો છે અને તે ખતરાની બહાર છે. આરોપીઓને પકડવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્‍યું હતું. આ ઘટના સિવાય જમ્‍મુ શહેરની બહારના એક વ્‍યસ્‍ત વિસ્‍તારમાં શનિવારે બે બ્‍લાસ્‍ટ થયા હતા, જેમાં નવ લોકો ઘાયલ થયા હતા.

આ વિસ્‍ફોટો એવા સમયે થયા છે જયારે પ્રદેશમાં સુરક્ષા એજન્‍સીઓ કોંગ્રેસની ભારત જોડો યાત્રા અને આગામી ગણતંત્ર દિવસની ઉજવણીને ધ્‍યાનમાં રાખીને હાઈ એલર્ટ પર છે. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે NIAએ સવારે વિસ્‍ફોટના સ્‍થળોની મુલાકાત લીધી હતી અને ફેડરલ એન્‍ટી ટેરર   એજન્‍સી આ કેસની સંપૂર્ણ તપાસ માટે કબજો લઈ શકે છે.

(12:02 pm IST)