Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

લગ્નમાં ભેટમાં મળેલાં ૧૦૦ કવરો ચોરાયાં

મુંબઈ : મુંબઈમાં લગ્નપ્રસંગો શરૃ થઈ ગયા છે એની સાથે ચોરોએ પણ પોતાના ટાર્ગેટ નક્કી કરવાની શરૃઆત કરી દીધી છે. ચેમ્બુર લગ્નમંડપમાં ભેટ આપેલાં ૧૦૦ રોકડ કવરોની ચોરી થતાં ૯૦,૦૦૦ રૃપિયાની માલમતા ચોરી થઈ હોવાની ફરિયાદ ચેમ્બુર પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી કેમેરાનાં ફુટેજને આધારે ચોરોની શોધ હાથ ધરી છે.

ચેમ્બુર કેમ્પ નજીક તોલારામનગરની પાસે એક સોસાયટીમાં રહેતા ૨૬ વર્ષના રોહિત કટારિયાએ કરેલી ફરિયાદ અનુસાર ૧૮ જાન્યુઆરીએ સાંજે ચેમ્બુર જિમખાના ફેઝ-ટૂમાં તેની ફોઈના પુત્રનાં લગ્ન હોવાથી તે તેની મમ્મી મમતા સાથે આવ્યો હતો. લગ્ન પૂરાં થયા બાદ રાતે સાડાનવ વાગ્યે મમ્મી ફોટો પડાવવા સ્ટેજ નજીક ગઈ ત્યારે તેણે તેની પાસેનાં લગ્ન નિમિત્તે મળેલાં ભેટ-કવરો અને પોતાનું પર્સ સ્ટેજની પાછળની બાજુએ રાખ્યાં હતાં. ફોટો પડાવીને તે પાછી આવી ત્યારે કવરો અને પર્સ ન દેખાતાં પૂરા લગ્ન-હોલમાં એની શોધ કરવામાં આવી હતી. અંતે પર્સ અને કવરો ચોરી થયાં હોવાનું માલૂમ થતાં તેમણે ચેમ્બુર પોલીસ-સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.

ચેમ્બુર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે 'આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતીના આધારે આ કોઈ ગેન્ગનું કામ હોય એવું લાગી રહ્યું છે. સીસીટીવી કેમેરાનાં ફુટેજના આધારે અમે તપાસ શરૃ કરી છે.'

(1:24 pm IST)