Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

કોહલી, ગિલ અને શમીને આરામ અપાશેઃ રજત પાટીદાર ડેબ્યુ કરશે?

કાલે ભારત–ન્યુઝીલેન્ડ વચ્ચે સિરીઝનો અંતિમ મુકાબલો : હિટમેન અને કિશન ઓપનિંગ કરશે!: ટીમમાં ઘણા ફેરફાર જોવા મળશે

 નવી દિલ્હીઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની અંતિમ મેચ આવતીકાલે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે.  ટીમ ઈન્ડિયાની નજર કલીન સ્વીપ પર હશે. મેચમાં ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. બીજી વનડેમાં ભારતની જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ સંકેત આપ્યા છે કે છેલ્લી મેચમાં કેટલાક ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. વાસ્તવમાં, ટીમ ઈન્ડિયા ૯ ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે.  ક્રિકેટ નિષ્ણાતો અને જાણકારો કહી રહ્યા છે કે મોહમ્મદ શમી, શુભમન ગિલ અને વિરાટ કોહલીને ત્રીજી વનડેમાં આરામ આપવામાં આવી શકે છે.

કેપ્ટન રોહિત શર્મા ત્રીજી વનડેમાં બેન્ચ સ્ટ્રેન્થને ચેક કરી શકે છે. વિસ્ફોટક મિડલ ઓર્ડર બેટ્સમેન રજત પાટીદારને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. તે કિંગ કોહલીની જગ્યાએ ત્રીજા નંબર પર રમી શકે છે. શુભમન ગિલની જગ્યાએ ઇશાન કિશન હિટમેન સાથે ઓપનિંગ કરી શકે છે. ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન આ રીતે હોઈ શકે છે - ઈશાન કિશન, રોહિત શર્મા, રજત પાટીદાર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શાહબાઝ અહેમદ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક અને મોહમ્મદ સિરાજ.

 

(1:28 pm IST)