Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

અમેરિકા જવા માટે ભારતીયોને વિઝા પ્રોસેસિંગની વધુ રાહ નહીં જોવી પડે

અમેરિકા જનારા ભારતીયો માટે ખુશખબર : વિઝા અરજદારો માટે રાહ જોવાનો સમય ઘટાડવા માટે અમેરિકાની પહેલઃ ભારતીયોને વિઝા માટે વધુ રાહ જોવી પડશે નહીં : લોકોને વધુમાં-વધુ વિઝા આપવાની પ્રક્રિયા શરૂ

નવી દિલ્‍હી, તા.૨૩: ભારતીયો માટે વિઝા પ્રક્રિયામાં વિલંબ ઘટાડવાના ઉદ્દેશ્‍ય સાથે સંયુક્‍ત રાજ્‍ય અમેરિકાએ પહેલીવાર અરજદારો માટે વિશેષ ઈન્‍ટરવ્‍યુ શેડ્‍યૂલ કરવા અને કોન્‍સ્‍યુલર સ્‍ટાફની સંખ્‍યા વધારવા સહિત કેટલીક નવી પહેલ કરી છે.

વિઝા પ્રતીક્ષા ઘટાડવાના બહુપક્ષીય અભિગમના ભાગ રૂપે દિલ્‍હીમાં અમેરિકન દૂતાવાસ અને મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદના વાણિજ્‍ય દૂતાવાસોએ ૨૧ જાન્‍યુઆરીએ ‘સ્‍પેશિયલ શનિવાર ઈન્‍ટરવ્‍યુ ડે'નું આયોજન કર્યું હતું.

અમેરિકન દૂતાવાસે રવિવારે જણાવ્‍યું હતું કે, ૨૧ જાન્‍યુઆરીના રોજ ભારતમાં યુએસ મિશનએ પ્રથમ વખતના વિઝા અરજદારો માટે રાહ જોવાનો સમય ઘટાડવાના મુખ્‍ય પ્રયાસમાં સ્‍પેશિયલ શનિવાર ઈન્‍ટરવ્‍યુ ડેઝની શ્રેણીમાં પ્રથમ વખત આયોજન કર્યું હતું.

તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે, નવી દિલ્‍હીમાં યુએસ એમ્‍બેસી અને મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદમાં કોન્‍સ્‍યુલેટોએ વિઝા ઇન્‍ટરવ્‍યુની જરૂર હોય તેવા અરજદારોને સમાવવા માટે શનિવારે કોન્‍સ્‍યુલર કામગીરી ફરી શરૂ કરી હતી

મુંબઈના કોન્‍સ્‍યુલેટ જનરલ હાલમાં ભારતમાં સૌથી વધુ સંખ્‍યામાં વિઝા અરજીઓનો નિર્ણય કરે છે અને તે વિશ્વના સૌથી મોટા વિઝા ઓપરેશન્‍સમાંનું એક છે. મુંબઈમાં કોન્‍સ્‍યુલર ચીફ જ્‍હોન બેલાર્ડે જણાવ્‍યું હતું કે, સમગ્ર ભારતમાં અમારી કોન્‍સ્‍યુલર ટીમો આંતરરાષ્‍ટ્રીય પ્રવાસીઓની જરૂરિયાતોને પહોંચી વળવા અને રાહ જોવાનો સમય ઘટાડવા માટે ઓવરટાઇમ કામ કરી રહી છે. જેથી કરીને વધુને વધુ લોકોને વિઝા આપી શકાય.

(5:12 pm IST)