Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સેન્સેક્સમાં ૩૧૯, નિફ્ટીમાં ૯૧ પોઈન્ટનો કૂદકો, સેન્સેક્સ ૬૦,૯૪૧.૬૭ ઉપર બંધ

આઇટી અને નાણાકીય કંપનીઓના મજબૂત પરિણામોથી બજારમાં તેજી : એશિયન બજારો ટોક્યો, સિયોલ, શાંઘાઈ અને હોંગકોંગમાં ઉછાળા સાથે બંધ થયા, ડોલર સામે રૃપિયો ૨૧ પૈસા ઘટીને ૮૧.૩૮ પર બંધ થયો

મુંબઈ, તા.૨૩ : આઇટી અને નાણાકીય કંપનીઓના મજબૂત પરિણામોને કારણે સોમવારે બીએસઈ સેન્સેક્સ ૩૧૯ પોઇન્ટ અથવા ૦.૫૩ ટકા વધીને ૬૦,૯૪૧.૬૭ પર બંધ થયો હતો.

આજે સેન્સેક્સ ૪૦૦ પોઈન્ટ વધીને ૬૧,૦૦૦ની નજીક ખુલ્યો હતો. દિવસના વેપાર દરમિયાન તેજી ચાલુ રહી અને બેન્ચમાર્ક ૬૧,૧૧૩.૨૭ ની ઊંચી અને ૬૦,૭૬૧.૮૮ ની નીચી સપાટીને સ્પર્શ્યો. શેરબજાર બંધ ભારતીય શેરબજાર માટે આજનો દિવસ લાભદાયક રહ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા છે. જોકે, ડોલર સામે રૃપિયો ૨૧ પૈસા ઘટીને ૮૧.૩૮ પર બંધ થયો હતો.

તે જ સમયે, નિફ્ટી પણ ૯૦.૯૦ પોઇન્ટ અથવા ૦.૫૦ ટકાના વધારા સાથે ૧૮,૧૧૮.૫૫ પોઇન્ટ પર બંધ થયો. આજે નિફ્ટીમાં ૩૨ શેરો વધ્યા હતા અને ૧૮ શેર ઘટ્યા હતા. દિવસ દરમિયાન નિફ્ટી ૧૮,૧૬૨.૬૦ની ઊંચી અને ૧૮,૦૬૩.૪૫ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો.

સેન્સેક્સ પેકમાં હિન્દુસ્તાન યુનિલિવર, સન ફાર્મા, ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી, એચડીએફસી બેંક ટોચના ગેનર હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી, એલએન્ડટી, ટાટા સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાઇટન ટોપ લુઝર હતા.

એશિયન બજારો ટોક્યો, સિયોલ, શાંઘાઈ અને હોંગકોંગમાં ઉછાળા સાથે બંધ થયા હતા. યુરોપિયન બજારો પણ તેજીથી કારોબાર કરી રહ્યા છે. શુક્રવારે અમેરિકી બજારો જોરદાર તેજી સાથે બંધ થયા છે. બ્રેન્ટ ક્રૂડ પણ મામૂલી ઘટાડા સાથે ૮૭.૪૬ ડોલર પર કારોબાર કરી રહ્યું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) શુક્રવારે મૂડીબજારમાં ચોખ્ખા વેચાણકર્તા હતા કારણ કે તેઓએ રૃ. ૨,૦૦૨.૨૫ કરોડના શેરનું વેચાણ કર્યું હતું, એમ એક્સચેન્જ ડેટા અનુસાર જાણવા મળ્યું છે.

આજે ડોલર સામે રૃપિયો નબળો પડ્યો હતો. રૃપિયો ૨૧ પૈસા ઘટીને ૮૧.૩૮ પર બંધ થયો હતો. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ અનુસાર, ડોલર સામે રૃપિયો ૮૦.૯૨ પર ખુલ્યો હતો, પરંતુ દિવસની તેજીનો અંત આવ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન રૃપિયો ૮૧.૪૭ની નીચી અને ૮૦.૯૩ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

(7:11 pm IST)