Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સ્પેનની મારિયા બ્રેનયાસની વય ૧૧૫ વર્ષ, ૩૨૩ દિવસ

જીવિત રહેવા બદલ ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યું : ૧૦૦ વર્ષ પહેલાં ૧૯૧૮માં ફ્લૂની જેમ આ પ્રકારની જ મહામારી આવી હતી અને મોરેરા તેની પણ સાક્ષી છે

૭નવી દિલ્હી, તા.૨૩ : ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવવા માટે ભલભલાં લોકોએ મરણિયા પ્રયાસો કરવા પડે છે પણ સ્પેનની મારિયા બ્રેનયાસ મોરેરાને ફક્ત જીવીત રહેવા માટે આ પ્રતિષ્ઠિત રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યું છે. મોરેરાનું નામ દુનિયાના સૌથી વધુ વય ધરાવતી વ્યક્તિ તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરાયું છે. ૨૧ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ તેમની સત્તાવાર વય ૧૧૫ વર્ષ અને ૩૨૩ દિવસ જાહેર કરાઈ હતી. ૨૦૧૯માં આવેલી કોરોના મહામારીના સમયે એ વાતનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવતો હતો કે ૧૦૦ વર્ષ પહેલાં ૧૯૧૮માં ફ્લૂની જેમ આ પ્રકારની જ એક મહામારી આવી હતી અને મોરેરા તેની પણ સાક્ષી રહ્યા છે. તેમણે બંને વિશ્વયુદ્ધ અને સ્પેનનું ગૃહયુદ્ધ પણ જોયું છે અને ૨૦૧૯માં કોવિડને સફળતાપૂર્વક હરાવી ચૂકી છે.  મોરેરાનો જન્મ ૪ માર્ચ ૧૯૦૭ના રોજ અમેરિકાના કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં થયો હતો. મોરેરાના તમામ દસ્તાવેજો ચકાસ્યા બાદ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમનું નામ સામેલ કરાયું હતું. તેમને દુનિયાની સૌથી વધુ વય ધરાવતી મહિલા અને સૌથી વધુ વય સુધી જીવિત રહેનાર વ્યક્તિ જાહેર કરાઈ હતી.

 

(7:12 pm IST)