Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુની 26 જાન્યુઆરીએ મુક્તિ પર સમસ્યા

પ્રજાસત્તાક દિને મુક્ત થનાર કેદીઓની યાદીને પંજાબ સરકારે હજુ મંજૂરી આપી નથી: 3 ફેબ્રુઆરીએ પંજાબ કેબિનેટમાં નિર્ણય લેવાયા આ ફાઈલ પંજાબના રાજ્યપાલને પણ મંજૂરી માટે મોકલાશે

નવી દિલ્હી :પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને દિગ્ગજ નેતા નવજોત સિંહ સિદ્ધુની 26 જાન્યુઆરીએ મુક્તિ પર એક સમસ્યા ઊભી થઈ છે. પ્રજાસત્તાક દિને મુક્ત થનાર કેદીઓની યાદીને પંજાબ સરકારે હજુ મંજૂરી આપી નથી. પંજાબ સરકારની કેબિનેટ બેઠકમાં કેદીઓની તૈયાર યાદી પર વિચાર કરવામાં આવનાર છે. જ્યાં અગાઉ 1 ફેબ્રુઆરીએ બેઠક મળવાની હતી, હવે તે 3 ફેબ્રુઆરીએ યોજાશે. આવી સ્થિતિમાં સિદ્ધુના મુક્ત થવાની આશા ઓછી છે.

3 ફેબ્રુઆરીએ પંજાબ કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યા બાદ આ ફાઈલ પંજાબના રાજ્યપાલને પણ મંજૂરી માટે મોકલવામાં આવનાર છે. જો સીએમ ભગવંત માન ઈચ્છે તો તેની જાહેરાત કરી શકે છે અને નિર્ણય પણ લઈ શકે છે. હવે બધાની નજર તેના પર રહેશે કે પંજાબ સરકાર સિદ્ધુની મુક્તિ અંગે નિર્ણય લે છે કે નહીં. નોંધનીય છે કે સિદ્ધુ 1988ના રોડ રેજ કેસમાં પટિયાલા જેલમાં સજા કાપી રહ્યા છે.

નવજોત સિદ્ધુની મુક્તિને લઈને કોંગ્રેસના એક વર્ગમાં ઉજવણીનો માહોલ છે. સિદ્ધુના સમર્થકો એવા નિવેદનો આપી રહ્યા છે કે જેલમાંથી છૂટ્યા બાદ તેઓ સિદ્ધુનું હાર્દિક સ્વાગત કરશે. એવી પણ ચર્ચા હતી કે કોંગ્રેસ હાઈકમાન્ડ ખાસ કરીને પ્રિયંકા ગાંધી નવજોત સિદ્ધુને મોટી ભૂમિકા આપવાના મૂડમાં છે. આવી સ્થિતિમાં જો તેમને છોડવામાં નહીં આવે તો સમર્થકોની ઈચ્છાઓ પર પાણી ફરી વળશે.

નવજોત સિંહ સિદ્ધુના જેલમાંથી મુક્ત થવાની વાતો વચ્ચે પંજાબનું રાજકારણ વધુ ગરમાયું હતું. ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની પઠાણકોટ રેલીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી. રાહુલ ગાંધીએ તેમને કાશ્મીર જવા માટે આમંત્રણ પણ આપ્યું છે, જ્યાં ભારત જોડો યાત્રા સમાપ્ત થવાની છે, પરંતુ તેઓ ત્યાં પણ જઈ શકશે નહીં.

 

(8:57 pm IST)