Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

આર્થિક સંકટનો સામનો કરતા પાકિસ્તાનના ઈસ્લામાબાદ, કરાચી અને પેશાવર ક્ષેત્રના 22 જિલ્લામાં વીજ પુરવઠો બંધ

સિંધના ગુડ્ડુ વિસ્તારથી ક્વેટા જતી બે ટ્રાન્સમિશન લાઈનો ટ્રીપ થઈ ગઈ: નેશનલ ગ્રીડમાં ખામીને કારણેઅનેક વિસ્તારોમાં અંધારપટ્ટ

ઇસ્લામાબાદ : આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. પાકિસ્તાનમાં સોમવારે સવારે મોટાપાયે પાવર કટ કરવામાં આવ્યો છે.જેના લીધે પાકિસ્તાનના અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઇ ગઇ હતી.

 હાલમાં ઈસ્લામાબાદ, કરાચી અને પેશાવર ક્ષેત્રના 22 જિલ્લાઓમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો છે. એટલું જ નહીં, પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયે પણ આ અંગે નિવેદન બહાર પાડવું પડ્યું. સરકારે કહ્યું છે કે જાળવણીનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. એવી અપેક્ષા છે કે સપ્લાય ટૂંક સમયમાં શરૂ થશે. પાકિસ્તાની મીડિયા અનુસાર, આ મોટા પાયે પાવર કટ નેશનલ ગ્રીડમાં ખામીને કારણે થયો હતો.

સોમવારે સવારે 7:34 વાગ્યે નેશનલ ગ્રીડ સિસ્ટમમાં આ ખામી સર્જાઈ હતી.પાકિસ્તાનના મંત્રાલયના નિવેદન પહેલા જ ત્યાંની ઘણી કંપનીઓએ સોશિયલ મીડિયા પર લોકોને પાવર ફેલ્યોર વિશે જણાવવાનું શરૂ કરી દીધું હતું.ક્વેટા ઇલેક્ટ્રિક સપ્લાય કંપની (QESCO) અનુસાર, સિંધના ગુડ્ડુ વિસ્તારથી ક્વેટા જતી બે ટ્રાન્સમિશન લાઈનો ટ્રીપ થઈ ગઈ છે. જેના કારણે ક્વેટા સહિત બલૂચિસ્તાનના 22 જિલ્લામાં વીજળી સંકટ સર્જાયું છે. કરાચીના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગયું છે.

 

પાકિસ્તાન વીજળી સંકટનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનની નેશનલ ઈલેક્ટ્રિક પાવર રેગ્યુલેટરી ઓથોરિટીએ કરાચી શહેરમાં વીજળીના દરમાં રૂ. 3.30 પ્રતિ યુનિટનો વધારો કર્યો હતો. આ ઉપરાંત, વિવિધ ઉપભોક્તા વર્ગો માટે વીજળીના દરમાં રૂ. 1.49 થી રૂ. 4.46 પ્રતિ યુનિટનો વધારો કરવામાં આવ્યો હતો.

નવા દરો લાગુ થયા બાદ ગ્રાહકોને 43 રૂપિયા પ્રતિ યુનિટના દરે વીજળી મળી રહી છે. તેના પર સરકાર પાવર કંપનીઓને યુનિટ દીઠ 18 રૂપિયાના દરે સબસિડી પણ આપી રહી છે. પાવર સંકટને દૂર કરવા માટે, પાકિસ્તાન સરકારે ડિસેમ્બર 2022 માં રાત્રે 8 વાગ્યે બજાર અને રેસ્ટોરાં બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

ભારતની સરખામણીએ પાકિસ્તાનના લોકોને વીજળી માટે લગભગ ચાર ગણી વધુ કિંમત ચૂકવવી પડે છે. ભારતમાં રહેણાંક વીજ બિલનો સરેરાશ દર 6 થી 9 રૂપિયા પ્રતિ યુનિટ છે. તે જ સમયે, વાણિજ્યિક ઉપયોગ માટે વીજળીનો દર પ્રતિ યુનિટ સરેરાશ 10 થી 20 છે. એક તરફ પાકિસ્તાનના લોકો માટે દરરોજ સવાર એક નવો પડકાર લઈને આવી રહી છે. બીજી તરફ પોતાની જ સરકાર લોકોને આંચકા આપી રહી છે.

 

(10:31 pm IST)