Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

બપોરે ત્રણ સુધીમાં ૭૨માંથી ૬૪ બેઠકો પર ભાજપનો જયજયકારઃ ઠેર-ઠેર 'વિજયના વધામણા'

રાજકોટમાં ફરી ભાજપરાજઃ 'કમળ'નો વટ ,'પંજો' સફાચટ

કોંગ્રેસનો 'ગઢ' ગણાતા જંગલેશ્વરમાં પણ 'કેસરીયો': અમુક વોર્ડમાં આપના ઉમેદવારોએ ભારે ટક્કર આપીઃ કેટલાયની ડિપોઝીટ પણ ડૂલ થઇ ગઇઃ ભાજપ વિરોધી એક પણ મુદ્દા કોંગ્રેસ, આપ કે અપક્ષોને જીતવામાં મદદરૂપ ન થયાઃ રાજકોટવાસીઓએ 'વિકાસ'ને મહત્વ આપ્યું

રાજકોટ તા. ૨૩:  રાજકોટ સહિતની રાજ્યની છ મહાનગર પાલિકાની સામાન્ય ચુંટણીની મતગણતરી આજે સવારે નવ વાગ્યાથી છ સ્થળો પર શરૂ થઇ હતી. પ્રારંભથી જ ભાજપનો ઘોડો વિનમાં રહ્યો દોડતો થઇ ગયો હતો. મત ગણતરી જેમ જેમ થતી રહી તેમ તેમ ભાજપની છાવણીમાં જયજયકાર ગુંજવા માંડ્યો હતો. ભારત માતા કી જય અને વંદે માતરમ્ના નારાઓથી મતગણતરી કેન્દ્રો ગાજી ઉઠ્યા હતાં. બીજી તરફ કોંગ્રેસી છાવણીઓમાં સોંપો પડી ગયો હતો. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ૭૨ બેઠકોમાંથી ૬૪ બેઠકો પર ભાજપનો વિજય વાવટો લ્હેરાઇ ગયો હતો. આ સાથે રાજકોટવાસીઓએ ફરી એકવાર મ્યુનિસિપલ કોર્પોરેશનનું સુકાન ભાજપને સોંપ્યું છે. ફરીથી ભાજપરાજ આવ્યું છે, 'કમળ'નો  વટ યથાવત રહ્યો છે અને કોંગ્રેસનો 'પંજો' સફાચટ થઇ ગયો છે. ફરી એક વખત રાજકોટની જનતાએ, મતદારોએ 'વિકાસ'ને મહત્વ આપ્યું છે.

ભાજપ વિરૂધ્ધ અનેક પ્રકારના મુદ્દાઓ કોંગ્રેસ, આપ, અપક્ષોએ વહેતા મુકયા હતાં. પરંતુ આજે પરિણામ જાહેર થતાં જ એ સ્પષ્ટ થઇ ગયું છે કે રાજકોટવાસીઓને વિકાસમાં જ રસ છે. ભાજપને આ કારણે જ કદાચ ફરી એકવાર કોર્પોરેશનનું સુકાન સોંપ્યું હોય તેમ જણાય છે. ગત ૨૦૧૫ની ચુંટણીમાં ભાજપને ૩૮ અને કોંગ્રેસને ૩૪ બેઠકો મળી હતી. તે વખતે પાટીદાર આંદોલન ભાજપને નડી ગયું હતું અને બેઠકો ઘટી તેની પાછળ આ પણ એક મહત્વનું કારણ ગણાવાયું હતું. આ વખતે ૨૦૨૧ની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)એ પણ ઝંપલાવ્યું હતું. આ કારણે ભાજપને ફટકો પડશે તેવો રાજકિય અણસાર હતો. પરંતુ આપ આગળ વધી શકયું નથી અને ભાજપને કોઇ નુકસાન પહોંચાડી શકયું નથી.

દરમિયાન આજે રાજકોટ ખાતે છ સ્થળોએ થઇ રહેલી શહેરના ૧૮ વોર્ડની ૭૨ બેઠકોની મતગણતરીમાં બપોરના ત્રણ વાગ્યા સુધીમાં વોર્ડ નં. ૧, ૨, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૬, ૧૭, ૧૮માં ભાજપનો વિજય વાવટો ફરકી ગયો છે. કેસરીયો ફરી લહેરાઇ ગયો છે અને કમળ ફરી ખીલી ઉઠ્યું છે.

આ લખાય છે ત્યારે વોર્ડ નં. ૩ અને ૧૫ની મતગણતરીઓ ચાલી રહી છે. વોર્ડ નં. ૧૫માં કોંગ્રેસની પેનલના ઉમેદવારો વશરામભાઇ સાગઠીયા, મકબુલ દાઉદાણી, ભાનુબેન સોરાણી સહિત ચારેય ઉમેદવારો ભાજપ તથા બીજા પક્ષના ઉમેદવારો કરતાં આગળ ચાલી રહ્યા છે. આ બેઠકો પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર ચાલી રહી છે. ૨૫૦૦ મતથી કોંગ્રેસના ઉમેદવારો આગળ હતાં.

(3:21 pm IST)