Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

મંદી, મોંઘવારી, મહામારીને મારી ગોળી : મતદારોએ છલકાવી ભાજપની ઝોળી

ઇ-મેમા, માસ્કના દંડ, પેટ્રોલ - ડીઝલ - ગેસના ભાવ વગેરે મુદ્દા પ્રચારમાં ચગ્યા પણ મતદાનમાં ન ધગ્યા : ભાજપ વધુ મજબૂત

રાજકોટ તા. ૨૩ : રાજ્યના ૬ મોટા નગરોની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થતા વિપક્ષ કોંગ્રેસ અને અન્ય પક્ષોના નકારાત્મક પ્રચારને પ્રજાએ ફગાવી ભાજપના વિકાસના મુદ્દાને વધુ એક વખત સ્વીકાર્યો છે. છએ છ મહાનગરોમાં ભાજપની વિજયકૂચ થઇ રહી છે. મતદારોએ મંદી, મોંઘવારી, મહામારી, પોલીસના દંડ વગેરેનો પ્રચાર સાંભળ્યો પણ સ્વીકાર્યો નહિ.

રાજકોટમાં અને અન્ય ૫ મહાનગરોમાં મતદાન પૂર્વે કોંગ્રેસ, આપ વગેરેએ માસ્કના દંડ, ટ્રાફિકના નિયમ ભંગના ઇ-મેમા, પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ, માસ્કના દંડ, કોરોના કાળમાં થયેલી પરેશાની, લોકડાઉન વખતના કેસ વગેરે મુદ્દા ચગાવ્યા હતા. પ્રજામાં જે તે વખતે પ્રતિસાદ હોવાનું પ્રચારકોનું કહેવું હતું.

બીજી તરફ ભાજપે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસની કામગીરીના નામે જ મત માંગ્યા હતા. વિકાસનો મુદ્દો વધુ એક વખત મતદારોને સ્પર્શી ગયો છે. વિપક્ષના તમામ મુદ્દાઓને જાકારો આપીને મતદારોએ વિકાસની રાજનીતિનું સમર્થન કર્યું છે. મુખ્યમંત્રીની હોમ પીચ રાજકોટમાં અત્યાર સુધીમાં જાહેર થયેલ તમામ ૫૦થી વધુ બેઠકો ભાજપના ફાળે ગઇ છે. પ્રચારમાં જે મુદ્દા ચગ્યા હતા તે મતદાન કે પરિણામમાં ધગ્યા નથી.

(4:00 pm IST)