Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

થાણેમાંથી પ્રતિબંધિત કફ સિરપની ૮૬૪૦ બોટલ્સ જપ્ત

દેશમાં નશાખોરીને ફેલાવવાનું કૌભાંડઃથાણેના ભિવંડી શહેર પાસે આગ્રા-મુંબઈ રાજમાર્ગ પર એક કારને રોકીને તેમાંથી આ કફ સિરપ જપ્ત કરાયું

મુંબઈ એનસીબીની ટીમે પાડોશના થાણે જિલ્લા ખાતેથી પ્રતિબંધિત નશીલી દવાના જથ્થા સાથે ૨ લોકોની ધરપકડ કરી છે. એનસીબીની ટીમે ગુપ્ત બાતમીના આધારે કોડીનયુક્ત કફ સિરપની ૮,૬૪૦ બોટલ્સ જપ્ત કરી લીધી છે. આરોપીઓ કફ-સિરપનો ઉપયોગ મુંબઈ અને થાણેના કેટલાક વિસ્તારોમાં નશા સહિતના અન્ય કેટલાક ઉદ્દેશ્યો પાર પાડવા માટે કરવાના હતા.

બાતમીના આધાર પર શનિવારના રોજ થાણેના ભિવંડી શહેર પાસે આગ્રા-મુંબઈ રાજમાર્ગ પર એક કારને રોકવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી કોડીનયુક્ત કફ સિરપની ૮,૬૪૦ બોટલ્સ મળી આવી હતી. કુલ ૬૦ બોટલ્સમાં રાખવામાં આવેલી આ બોટલ્સનું સામૂહિક વજન ૮૬૪ કિગ્રા જેટલું હતું.   એનસીબીના અધિકારીઓએ કારચાલકની ધરપકડ કરી હતી અને તેના પાસેથી મળેલી માહિતીના આધાર પર જાળ બિછાવીને અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરી હતી. ધરપકડ કરવામાં આવેલો બીજા નંબરનો શખ્સ કફ સિરપની બોટલ્સની આ ખેપ પ્રાપ્ત કરવાનો હતો. અધિકારીઓએ આશરે ૨ કિમી સુધી ટુ-વ્હીલરનો પીછો કરીને તેને ઝડપી લીધો હતો અને તે વાહનને પણ જપ્ત કરી લીધું હતું. એનસીબી મુંબઈએ આ મામલે કેસ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

તાજેતરમાં જ મણિપુર ખાતેથી પણ કોડીનયુક્ત કફ સિરપની ૮,૮૧૨ બોટલ જપ્ત કરવામાં આવી હતી. થૌબલ જિલ્લા પોલીસે શુક્રવારે સાંજના સમયે લિલોંગ અથૌખોંગ ખાતેથી કફ સિરપની ૮,૮૧૨ બોટલ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

(8:40 pm IST)