Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

દિલ્હીના કેટલાક વિસ્તારમાં વરસાદથી ગરમીમાં રાહત

દિલ્હીના વાતાવરણમાં ભારે પલટો આવ્યોઃહવામાન વિભાગે દિલ્હી અને એનસીઆર માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું, જેમાં સામાન્ય વરસાદની આગાહી

દિલ્હીના વાતાવરણમાં પલટો આવ્યો છે. દિલ્હીના અમુક વિસ્તારમાં સવારે વરસાદ થયો, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી. છેલ્લા બે ત્રણ દિવસથી સાંજે વાવાઝોડુ અને સામાન્ય વરસાદ પડી રહ્યો હતો પરંતુ સોમવારે સવારે અચાનક આકાશમાં કાળા વાદળ ઘેરાયા અને વરસાદ શરૃ થઈ ગયો. હવામાન વિભાગે પહેલા જ ઝડપી પવન સાથે વરસાદની આગાહી કરી હતી.

દિલ્હીમાં આજે લઘુતમ તાપમાન ૧૭.૨ ડિગ્રી નોંધાયુ. આ છેલ્લા કેટલાક દાયકાઓનુ મે મહિનામાં સૌથી ઓછુ તાપમાન છે. ૧૯૮૨માં ૨ મે એ ૧૫.૨ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

આઈએમડીએ ટ્વીટ કરી, આગામી ૨ કલાક દરમિયાન દિલ્હી-એનસીઆર અને આસપાસના વિસ્તારમાં ૫૦-૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સામાન્યથી મધ્યમ તીવ્રતાવાળો વરસાદ અને ઝડપી પવનની સંભાવના છે.

દિલ્હી અને નોઈડા સહિત સમગ્ર એનસીઆરમાં વરસાદના કારણે ગરમીથી રાહત મળી છે. સોમવારે દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં વરસાદ થયો. અગાઉ શનિવારે રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક ભાગમાં વરસાદ પડ્યો હતો. સાથે જ ધૂળ ભરેલુ વાવાઝોડુ આવ્યુ હતુ.

ઝડપી વાવાઝોડાના કારણે ધોળાકુવા વિસ્તારમાં વૃક્ષ પણ ધરાશાયી થયા. દિલ્હી છાવણી વિસ્તારમાં ભારે પવન અને વરસાદ બાદ મોટુ વૃક્ષ ધરાશાયી થયુ, જેના કારણે પરિવહન ખોરવાયુ હતુ.

હવામાન વિભાગે દિલ્હી અને એનસીઆર માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યુ હતુ. જેમાં પશ્ચિમી વિક્ષોભના કારણે ૫૦થી ૬૦ કિમી પ્રતિ કલાકની રફ્તારથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ હતી. વરસાદની અસર વિમાની સેવા પર પણ પડી. ખરાબ હવામાનના કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટ પણ પ્રભાવિત થઈ.

 

(8:55 pm IST)