Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ભારતમાં અમેરિકન રોકાણને પ્રોત્સાહન અપાશે : બંને દેશોએ રોકાણ પ્રોત્સાહન કરાર પર હસ્તાક્ષર

IIA પર હસ્તાક્ષર કરવાથી ભારતમાં DFCsના રોકાણ સમર્થનમાં વધારો થશે.:દેશના મુખ્ય ક્ષેત્રોમાં યુએસ રોકાણને વેગ મળશે

મુંબઈ : ભારત અને અમેરિકાએ રોકાણ પ્રોત્સાહન કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર દેશના મુખ્ય ક્ષેત્રોમાં અમેરિકન રોકાણને વેગ આપશે. ક્વાડ સમિટ દરમિયાન વિદેશ સચિવ વિનય ક્વાત્રા અને યુએસના ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (DFC) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સ્કોટ નાથને ભારત-યુએસ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એગ્રીમેન્ટ (IIA) પર હસ્તાક્ષર કર્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, IIA પર હસ્તાક્ષર કરવાથી ભારતમાં DFCsના રોકાણ સમર્થનમાં વધારો થશે. તેનાથી દેશના મુખ્ય ક્ષેત્રોમાં યુએસ રોકાણને વેગ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જાપાનની મુલાકાતના પહેલા દિવસે વડાપ્રધાન મોદીએ અહીં જાપાની બિઝનેસ લીડર્સ સાથે રાઉન્ડ ટેબલ મીટિંગની અધ્યક્ષતા કરી હતી, જેમાં 34 જાપાનીઝ કંપનીઓના ટોચના અધિકારીઓ અને સીઈઓ હાજર રહ્યા હતા. આમાંની મોટાભાગની કંપનીઓ ભારતમાં રોકાણ અને કામગીરી ધરાવે છે. આ દરમિયાન પીએમ મોદીએ આ નેતાઓને ‘મેક ઈન ઈન્ડિયા ફોર વર્લ્ડ’ માટે આમંત્રણ આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત અને જાપાન કુદરતી ભાગીદારો છે. તેમણે ભારત-જાપાન સંબંધોની અપાર સંભાવનાના ધ્વજ વાહક તરીકે વેપારી સમુદાયની પ્રશંસા કરી હતી. મોદીએ ભારત-જાપાન ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા ભાગીદારી (IJICP) અને ક્લીન એનર્જી પાર્ટનરશિપ જેવી પહેલોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન (NIP), પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (PLI) સ્કીમ અને સેમિકન્ડક્ટર પોલિસી જેવી પહેલો વિશે વાત કરી અને ભારતના મજબૂત સ્ટાર્ટઅપ વાતાવરણને પણ હાઈલાઈટ કર્યું.

(9:58 pm IST)