Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

મહારાષ્ટ્ર સરકારે 1 જૂનથી 31 જુલાઈ વચ્ચે માછીમારી પર પ્રતિબંધ મુક્યો :ઉલ્લંઘન કરનારાઓ સામે ભારે દંડ કરાશે

તાજેતરમાં મરીન ફિશરીઝ રેગ્યુલેશન એક્ટ 1981 હેઠળ જાહેર કરાયો,જે મહારાષ્ટ્રના દરિયાકાંઠેથી 12 નોટિકલ માઈલની અંદર યાંત્રિક માછીમારી પર પ્રતિબંધ મૂકે છે

મુંબઈ :મહારાષ્ટ્ર સરકારે 1 જૂનથી 31 જુલાઈ વચ્ચે માછીમારી પર પ્રતિબંધ મૂક્યો છે. 1 જૂનથી 31 જુલાઈ સુધીનો સમય માછલીના પ્રજનન માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેને બચાવવા દર વર્ષની જેમ આ વર્ષે પણ આવો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ નિર્ણય તાજેતરમાં મરીન ફિશરીઝ રેગ્યુલેશન એક્ટ 1981 હેઠળ જાહેર કરવામાં આવ્યો હતો, જે મહારાષ્ટ્રના દરિયાકાંઠેથી 12 નોટિકલ માઈલની અંદર યાંત્રિક માછીમારી પર પ્રતિબંધ મૂકે છે.

રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે દર વર્ષે રાજ્ય સરકાર આવો પ્રતિબંધ લાદે છે. અધિકારીએ કહ્યું કે જો કોઈપણ ટ્રોલર ઓપરેટર આ પ્રતિબંધનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે તો જૂનથી ઉલ્લંઘન કરનારાઓને ભારે દંડ કરવામાં આવશે. અગાઉ દંડની રકમ ઘણી ઓછી હતી, જેના કારણે ઘણા ટ્રોલર સંચાલકોએ ખુલ્લેઆમ પ્રતિબંધનું ઉલ્લંઘન કર્યા હોવાના અહેવાલ સામે આવ્યા હતા.

વધુમાં અધિકારીએ કહ્યું કે “જૂન અને જુલાઈ દરમિયાન દરિયો અશાંત રહે છે અને તે માછલીઓની ઘણી પ્રજાતિઓ માટે પ્રજનનનો સમયગાળો છે. આ સમયગાળા દરમિયાન માછીમારી ખાદ્ય સાંકળને પ્રતિકૂળ અસર કરી શકે છે. આ ઉપરાંત આ સમયે દરિયામાં માછીમારી કરવી જોખમી પણ છે.” તેમણે કહ્યું કે પરંપરાગત માછીમારો જેમની બોટમાં એન્જીન નથી અથવા જેઓ યાંત્રિક જાળી ગોઠવતા નથી તેમને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

(10:00 pm IST)