Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

WTC ફાઇનલમાં ભારતીય બોલરોએ રંગ રાખ્યો :ન્યુઝીલેન્ડ 249 રનમાં ઓલઆઉટ: મોહમ્મદ શમીએ ચાર વિકેટ ઝડપી

પાંચમા દિવસે પણ વરસાદના કારણે એક કલાક મોડી મેચ ચાલુ થઈ: કિવિ ટીમે ભારત પર 32 રનની લીડ બનાવી

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ICC વિશ્વ ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમાઈ રહી છે. આજે મેચના પાંચમા દિવસે ન્યૂઝીલેન્ડની પહેલી ઈનિંગ 249 રન પર સમેટાઇ ગઈ છે.જોકે કિવિ ટીમે ભારત પર 32 રનની લીડ બનાવી છે.

પહેલા અને બીજા સેશનમાં કિવિ ટીમના કેપ્ટન કેન વિલિયમ્સને 49 રન બનાવ્યા અને ભારતના સ્કોરને પાર કરી લેવામાં ટીમને સફળતા મળી હતી
ભારતની પહેલી બેટિંગમાં ઓછા રનના કારણે નિરાશા હતી પરંતુ ભારતના બોલર્સે રંગ રાખ્યો હતો. ભારતના મોહમ્મદ શમીએ સૌથી વધારે ચાર વિકેટો ખેરવી. રવીન્દ્ર જાડેજાએ કિવિ ટીમના સાઉદીને બોલ્ડ કર્યા હતા. ટીમમાં બદલાવના કારણે આવેલા જાડેજાની પહેલી બોલમાં સાઉદીએ સિક્સ મારી પણ પછીની બોલ પર સીધો બોલ્ડ થઈ ગયો. જોકે સાઉદીએ 30 રન બનાવીને ટીમને મજબૂત કરી હતી .

ફાઇનલ મેચમાં વરસાદનું વિઘ્ન ખૂબ નડ્યું છે. પાંચમા દિવસે પણ વરસાદના કારણે એક કલાક મોડી મેચ ચાલુ થઈ હતી .

એકવાર ફરી ન્યૂઝીલેન્ડના નીચલા ક્રમના બેટ્સમેને ભારત માટે સમસ્યા પેદા કરી હતી, પાછળના ખેલાડીઓએ જ એટલા રન જોડ્યા જે નિર્ણાયક સાબિત થયા.

(11:20 pm IST)