Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

કોરોનાના કેસ ૩ કરોડ ઉપરઃ ભારત વિશ્વમાં બીજા ક્રમે

ભારતમાં ૫૦ દિવસમાં ૧ કરોડ કેસ વધ્યાઃ સંક્રમણ મામલે અમેરિકા પછી બીજા ક્રમે : અમેરિકામાં મૃત્યુઆંક ૬.૨ લાખ તો ભારતમાં ૩.૯ લાખ લોકોના મોત

નવી દિલ્હી, તા.૨૩: ભારતમાં કોરોનાની બીજી લહેર નબળી પડી રહી છે. આવામાં સંક્રમણના મામલે ભારત અમેરિકા (૩.૫ કરોડ) કેસ બાદ ભારત બીજા નંબર છે. ભારતમાં મંગળવારે કુલ સંક્રમણનો આંકડો ૩ કરોડને પાર કરી ગયો. દેશમાં પાછલા ૫૦ દિવસમાં સંક્રમણ ૧ કરોડ વધી ગયું છે. જેમાં ૫૦ લાખ કેસ પાછલા ૩૬ દિવસમાં સામે આવ્યા છે. કોરોનાથી મૃત્યુમાં ભારત અમેરિકા (૬.૨ લાખ) પછી બીજા નંબર પર પહોંચી ગયું છે. દેશમાં કોરોનાના લીધે ૩.૯ લાખ મોત નોંધાયા છે.

આ પહેલા સૌથી ઝડપથી એક કરોડ કેસ ૫૪ દિવસમાં અમેરિકામાં નોંધાયા હતા, ભારતમાં ૩ મેએ કોરોનાના કેસની સંખ્યા ૨ કરોડને પાર કરી ગઈ હતી. આ સમયે દેશમાં કોરોનાની બીજી લહેર પીક પર હતી. દેશમાં પાછલા ૫૦ લાખ કેસ તો માત્ર ૩૬ દિવસમાં જ (૧૭ મેથી ૨૨ જૂન) વચ્ચે નોંધાયા છે. આ આંકડા કોરોનાની બીજી લહેરના નબળી પડવાના સંકેત આપી રહ્યા છે.

માત્ર સાડા ત્રણ મહિનામાં કોરોનાનાની બીજી લહેરે દેશમાં કોરોનાના કુલ કેસમાં બે તૃતિયાંસ વધ્યા છે. કોરોનાની બીજી લહેરમાં ૨.૩૩ લાખ લોકોના મોત સાથે કોરોનાથી મરનારાની કુલ સંખ્યા ૩.૯૦ લાખ પહોંચી ગઈ. અમેરિકામાં કોરોના સંક્રમણથી સૌથી વધારે ૩.૪ કરોડ કેસ છે. બ્રાઝિલ એકમાત્ર બીજો દેશ છે જયાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧ કરોડને પાર ગઈ છે.

દેશમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૦,૪૯૭ કેસ નોંધાયા છે. જયારે દૈનિક મૃત્યુઆંક ૧,૦૪૭ પર પહોંચ્યો છે. જેમાં મહારાષ્ટ્રમાં જૂના મોતના આંકડા ૨૯૪ એડ કરવામાં આવ્યા છે. આ પહેલા સોમવારે કોરોનાના ૯૧ દિવસ બાદ ૫૦ હજારથી ઓછા કેસ નોંધાયા હતા. આ સાથે મૃત્યુઆંક પણ નીચો નોંધાયો હતો.

(10:22 am IST)