Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ગામડાઓમાં નહીં ચાલે સરપંચ કે સચિવોની મનમાની : સરકાર તૈયાર કરી રહી છે મજબૂત તંત્ર

કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા પંચાયતોને સીધુ ફંડ મળે છે, જેના ખર્ચ અને વિકાસ કાર્યોના ઓનલાઇન ઓડિટ માટે તંત્ર ઉભુ કરાશે : દેશના ૧૪ રાજયોની ૨૦ ટકા ગ્રામ પંચાયતો ઓનલાઇન કામકાજ કરી રહી છે : કેન્દ્ર સરકારે ગ્રામ પંચાયતોને લઇને ગાઇડલાઇન બહાર પાડી : ભારતમાં ૨.૬૦ થી વધુ ગ્રામ પંચાયત છે જેમાં ૩૧ લાખથી વધુ પ્રતિનિધિઓ ચૂંટાયેલા છે

નવી દિલ્હી,તા. ૨૩: કેન્દ્ર સરકાર દેશના તમામ ગામડાઓના વિકાસ કાર્યોને લઇને મજબૂત તંત્ર બનાવી રહી છે. જે ગ્રામ પંચાયતને મળી રહેલા ફંડ અને વિકાસ કાર્યોમાં તેના ખર્ચ પર ધ્યાન રાખશે. ગામડાઓના વિકાસ કાર્યોની નિયમિત પણ ઓડિટની સાથે-સાથે ફંડના ઉપયોગની પદ્ઘતિઓનું પણ ઓનલાઇન ઓડિટ કરવામાં આવશે. સરકારની આ નીતિ હેઠળ ગામડાઓના તમામ કાર્યો નક્કી કરેલી ગ્રામ પંચાયત વિકાસ યોજના હેઠળ થઇ શકશે અને એ મુજબ ફંડનો ઉપયોગ પણ કરવામાં આવશે. જેનાથી નીચલા સ્તરે કામ કરી રહેલા ગામના પ્રધાન અને સચિનોની મનમાની પર પણ રોક લાગશે. કેન્દ્ર સરકારે આ માટે વિગતવાર ગાઇડલાઇન બહાર પાડી છે. જે દેશના તમામ ગામડાઓ માટે લાગૂ કરાશે.

નોંધનીય છે કે ગામડાઓના વિકાસ કાર્યો માટે કેન્દ્ર અને રાજય તરફથી મળતાં ફંડ જે-તે ગ્રામ પંચાયતના બેન્ક ખાતામાં સીધા જમા થાય છે. જેના વિકાસ કાર્યોમાં ખર્ચને લઇને હવે સવાલો સામે આવી રહ્યા છે. આ માટે નિયંત્રણ રુપે કેન્દ્ર સરકારે તમામ પંચાયતોને તેની ગ્રામ પંચાયત વિકાસ યોજના પણ તૈયાર કરાવી છે. ભારતમાં ૨.૬૦ થી વધુ ગ્રામ પંચાયત છે જેમાં ૩૧ લાખથી વધુ પ્રતિનિધિઓ ચૂંટાયેલા છે. આ પ્રતિનિધિઓમાં ૧૪ લાખ મહિલા પ્રતિનિધિ સામેલ છે.

ગામડાઓના વિકાસ કાર્યોને લઇને કેન્દ્રિય ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી નરેન્દ્ર તોમરે ગાઇડલાઇન જાહેર કર્યા પછી કહ્યું કે, ગ્રામ પંચાયતો અને નાણાંકીય વ્યવહારોમાં ચોખવટ લાવવી જરુરી બની ગયું છે. જેનાથી પંચાયતોની શાખ અને પ્રતિષ્ઠા વધશે અને વિકાસ કાર્યો પણ ઝડપથી થશે. તેમણે કહ્યું કે પંચાયતો પાસે ફંડની કમી નથી અને કામકાજ સાથે પંચાયતોની જવાબદેહી પણ હોવી જરુરી છે.

કેન્દ્ર મુજબ દેશના ૧૪ રાજયોના ૨૦ ટકા ગ્રામ પંચાયતોનું કામકાજ ઓનલાઇન થઇ ગયું છે અને લક્ષ છે કે દેશની ૧૦૦ પંચાયતો ઓનલાઇન કામકાજ હેઠળ આવરી લેવાય. દેશને મજબૂત બનાવવા માટે ગ્રામ પંચાયતોની ભૂમિકા મહત્વની છે.

(10:23 am IST)