Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ધ્યાન નહીં રાખો તો ત્રીજી લહેર ઘાતક સાબિત થઈ શકે છે : દૈનિક ૫ લાખ કેસ આવી શકે : IIT કાનપુર

પીક સપ્ટેમ્બરથી લઈને ઓકટોબર સુધીમાં હોઈ શકે છે

કાનપુર,તા.૨૩: કોરોના વાયરસની ત્રીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઈ શકે છે અને તેનો પીક સપ્ટેમ્બરથી લઈને ઓકટોબર સુધીમાં હોઈ શકે છે. આ સમય દરમિયાન રોજના પાંચ લાખ સુધી કોરોનાના નવા કેસ નોંધાઈ શકે છે. આઈઆઈટી કાનપુરે આ અંગે આંકડા જાહેર કર્યા છે.

આ રિપોર્ટમાં ૩ મહત્વની વાત સામે આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ૧૫ જુલાઈ સુધી સમગ્ર દેશ અનલોક થઈ જશે. આ સ્થિતિ બરાબર એવી હશે જેવી આ વર્ષે જાન્યુઆરીમાં હતી. જાન્યુઆરીમાં પણ બધુ અનલોક થઈ ગયું હતું. પરંતુ જો આ વખતે અનલોક થયા બાદ પણ આપણે સાવધાની નહીં વર્તીએ, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન નહીં કરીએ અને માસ્ક નહીં પહેરીએ તો કોરોનાની ત્રીજી લહેરનો પીક ઓકટોબર સુધીમાં આવી શકે છે. જાણકારો પણ આ વાત સ્વીકારી રહ્યા છે.

બીજી લહેરની સ્થિતિને ધ્યાનમાં લેતા ત્રીજી લહેર માટે સંભવિત ત્રણ સ્થિતિઓ ઊભી થઈ શકે છે. પહેલી સ્થિતિ એ હોઈ શકે કે ત્રીજી લહેરનો પીક ઓકટોબરમાં આવી શકે છે પરંતુ લોઅર પીક બીજી લહેર કરતા ઊંચો હોઈ શકે છે. બીજી સ્થિતિ એ હોઈ શકે કે ત્રીજી લહેરનો પીક બીજી લહેરના પીક કરતા ઘાતક હોઈ શકે અને તે કદાચ સપ્ટેમ્બરની શરૂઆતમાં આવી શકે. ત્રીજી સ્થિતિ એ હોઈ શકે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવે તો ત્રીજી લહેરનો પીક ઓકટોબરના અંત સુધી ટળી શકે. આ પીક બીજી લહેરના પીક કરતા ઓછો ઘાતક હોઈ શકે છે.

આઈઆઈટી કાનપુરે પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે તેમના આ અનુમાનમાં રસીકરણ સામેલ નથી. રસી ટ્રાન્સમિશનની ચેઈનને તોડે છે અને પીક ઘટાડે છે. આવામાં રસીકરણ સાથે ત્રીજી લહેરના સંશોધિત મોડલ પર રિસર્ચર્સ કામ કરી રહ્યા છે અને જલદી તેને બહાર પણ પાડશે.

(10:24 am IST)