Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

રસીકરણના પ્રથમ દિવસે રેકોર્ડ : બીજા દિવસે ધબાય નમ

પ્રથમ દિવસે મહારેકોર્ડ નોંધાયા બાદ બીજા દિવસે રસીકરણ ઠંડુ પડી ગયું : સ્પીડ ઘટી ગઇ : પ્રથમ દિવસે ૮૪ લાખ ડોઝ તો બીજા દિવસે ૫૪ લાખ ડોઝ અપાયા : શું ટાર્ગેટ પૂરો થશે ? ઉઠતો સવાલ

નવી દિલ્હી તા. ૨૩ : ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા કેન્દ્ર સરકાર હવે ઝડપથી લોકોના રસીકરણમાં લાગી ગઇ છે. યોગ દિવસના દિવસે જ દેશમાં મોટાપાયે રસીકરણ અભિયાનની શરૂઆત થઇ હતી. એ દિવસે ૮૮ લાખ ડોઝ લગાવવાની સાથે જ ભારતમાં નવો રેકોર્ડ બન્યો હતો. આશા સેવાઇ રહી હતી કે રસીકરણની આ ગતિ ચાલુ રહેશે. જો કે મંગળવારે રાતના ૧૦ વાગ્યા સુધીમાં ફકત ૫૩ લાખ ૪૦ હજાર ડોઝ જ લગાવી શકાયા હતા.

દેશમાં કુલ રસીકરણનો આંકડો ૨૯ કરોડ ઉપર થઇ ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર ૧૮-૪૪ વર્ષના આયુ વર્ગમાં મંગળવારે રસીના ૩,૮૧,૫૬૨ ડોઝ પહેલા ડોઝના રૂપમાં અને ૭૧૬૫૫ બીજા ડોઝ રૂપે અપાયા. રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆતથી અત્યાર સુધીમાં આ આયુ વર્ગના ૬,૫૫,૩૮,૬૮૭ લોકોએ પહેલો ડોઝ મેળવી લીધો છે. જ્યારે ૧૪,૨૪,૬૧૨ લોકોએ બંને ડોઝ મેળવી લીધા છે.

મંગળવારે રસીકરણનો આંકડો ઘટવા પાછળ કેટલાક વધુ વસ્તી ધરાવતા રાજ્યોનું ઢીલુ વલણ જવાબદાર ગણવામાં આવે છે. તાજા આંકડાઓ અનુસાર, મંગળવારે રસીકરણના આંકડાઓ રાજ્ય અનુસાર અલગ અલગ રહ્યા. મહારાષ્ટ્રમાં એ દિવસે ૫.૫ લાખ ડોઝ લગાવાયા તો યુપીમાં ૭ લાખ ડોઝ મુકાયા. પણ છત્તીસગઢ, દિલ્હી, ઝારખંડ અને આંધ્રપ્રદેશ જેવા મોટી વસ્તીવાળા રાજ્યોમાં રસીકરણની ગતિ ઓછી રહી. આ બધા રાજ્યોમાં ૧ લાખથી ઓછા અથવા થોડા વધારે ડોઝ જ લાગી શકયા. જ્યારે કેરળ અને આસામ જેવા રાજ્યોમાં રસીકરણની ગતિ જળવાઇ રહી છે.

સોમવારે એક દિવસમાં ૧૭ લાખ રસી મુકીને રાજ્યોની યાદીમાં પ્રથમ રહેનાર મધ્ય પ્રદેશમાં મંગળવારે ફકત ૬૮,૩૭૦ રસી અપાઇ હતી. જે એક દિવસમાં ૯૬ ટકાનો ઘટાડો દર્શાવે છે. આવી જ રીતે હરિયાણામાં ૭૫ ટકાનો ઘટાડો થયો છે. હરિયાણામાં સોમવારે ૫,૧૧,૮૮૨ ડોઝ અપાયા હતા જ્યારે મંગળવારે ૧,૨૮,૯૭૯ ડોઝ અપાયા હતા.

(10:28 am IST)