Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી સરકાર ચિંતીત : ત્રણ રાજ્યોને કર્યા એલર્ટ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મહારાષ્ટ્ર, કેરલ અને મધ્યપ્રદેશને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વિશે જાગૃત રહેવાની સલાહ આપી

નવી દિલ્હી તા. ૨૩ : દેશમાં  કોરોનાની બીજી લહેર હજુ પૂર્ણ  થઈ નથી કે હવે ત્રીજી લહેરની દહેશત  સામે આવી છે. આ દરમ્યાન કોરોના વાયરસનો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ નવી સમસ્યા તરીકે સામે આવ્યો છે. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ઘણા રાજયોને આ ડેલ્ટા પ્લસ અંગે સાવચેત રહેવાની સલાહ આપી છે, જે કોરોનાના  ડેલ્ટા વેરિયન્ટ  કરતા વધુ જોખમી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સાથે સરકારે ચિંતા પણ વ્યકત કરી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તાજેતરના તારણોને આધારે  મહારાષ્ટ્ર, કેરલ અને મધ્યપ્રદેશને તેમના કેટલાક જિલ્લાઓમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વિશે જાગૃત રહેવાની સલાહ આપવામાં આવી છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના રત્નાગીરી અને જલગાંવ જિલ્લાઓમાં જીનોમ સિકવન્સીંગમાં ડેલ્ટા પ્લસ વાયરસની હાજરીની પુષ્ટિ થઈ છે. જયારે  કેરળના પલક્કડ અને પઠાણમિથિત જિલ્લાઓ અને મધ્ય પ્રદેશના ભોપાલ અને શિવપુરી જિલ્લાઓમાં પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ  મળી આવ્યું છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૨૧ કેસ

મહારાષ્ટ્રમાં કોવિડ -૧૯ નું અત્યંત ચેપી સ્વરૂપ 'ડેલ્ટા પ્લસ'ના ૨૧ કેસ નોંધાયા છે. રાજયના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે સોમવારે જણાવ્યું હતું કે રત્નાગીરીમાં આ પ્રકારના મહત્ત્।મ નવ કેસ નોંધાયા છે, જલગાંવમાં સાત, મુંબઇમાં બે અને પાલઘર, થાણે અને સિંધુદુર્ગ જિલ્લામાં એક-એક કેસ નોંધાયા છે. તેમણે માહિતી આપી હતી કે રાજયના વિવિધ ભાગોમાંથી ૭,૫૦૦ નમૂના લેવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આ નમૂનાઓ ૧૫ મે સુધી એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેમનો જેનોમ સિકિવન્સિંગ કરવામાં આવ્યું છે.

કેરળના બે જિલ્લાઓ- પલક્કડ અને પથનમથીટ્ટામાં   એકત્રિત કરવામાં આવેલા નમૂનાઓમાં સાર્સ-સીવી -૨ ડેલ્ટા-પ્લસ વેરિયન્ટના ત્રણ કેસ મળી આવ્યા છે. અધિકારીઓએ સોમવારે માહિતી આપી હતી. પથનમથીટ્ટા ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ ડો.નરસિમ્હગરી ટી.એલ. રેડ્ડીએ જણાવ્યું હતું કે, જિલ્લાની કાડાપરા પંચાયતનો ચાર વર્ષના છોકરાને વાયરસના નવા ડેલ્ટા-પ્લસ વેરિયન્ટનો ચેપ લાગ્યો હતો.

(10:28 am IST)