Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

કેન્દ્રીય કર્મચારીઓને ડીએ તથા એરિયર્સ મામલે આ સપ્તાહે સારા સમાચાર મળશે

૨૬મીએ મહત્વની બેઠક : ૧૦ મહત્વના મુદ્દાઓ ઉપર લેવાશે નિર્ણય

નવી દિલ્હી તા. ૨૩ : કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા, તેમનું એરીયર્સ અને બીજી જરૂરી માંગણીઓ બાબતે નેશનલ કાઉન્સીલ જેસીએમ અને મોદી સરકારના અધિકારીઓ વચ્ચે ૨૬ જૂને એક મહત્વની મીટીંગ થવાની છે. આ મીટીંગમાં ફ્રીઝ કરાયેલ મોંઘવારી ભથ્થા સહિત કુલ ૨૯ મુદ્દાઓ પર ચર્ચા થશે. જો મીટીંગ સકારાત્મક રહી તો કેન્દ્રીય કર્મચારીઓની ઘણી માંગણીઓ પૂરી થઇ જશે.  જણાવી દઇએ કે મીટીંગનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો કોરોના મહામારીના કારણે ફ્રીઝ કરાયેલ મોંઘવારી ભથ્થાનો છે. જ્યારે પણ આ ભથ્થા આપવાના થશે ત્યારે મોંઘવારી ભથ્થાના એક સાથે ત્રણ હપ્તા મળશે. જેનાથી પગારમાં બહુ મોટો વધારો થશે.

કેન્દ્રીય કર્મચારીઓના સંગઠન નેશનલ કાઉન્સીલ ઓફ જોઇન્ટ કન્સલટેટીટવ મશીનરી (જેસીએમ) અનુસાર જે મીટીંગ ૮ મે એ થવાની હતી તે હવે ૨૬ જૂને થશે. મીટીંગના મુદ્દાઓ નક્કી થઇ ગયા છે. જેસીએમના સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રા અનુસાર અમે ફાઇનાન્સ મીનીસ્ટ્રી અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનીંગના અધિકારીઓ સાથે બેઠક કરશું. જેમાં ઘણા મુદ્દાઓની ચર્ચા થશે. ખાસ કરીને ૭મા પગાર પંચ હેઠળ મળી રહેલ મોંઘવારી ભથ્થાના એરીયર્સની વાત થશે.

  • મીટીંગના ૧૦ મહત્વના મુદ્દાઓ

૧.  સરકારી કર્મચારીઓને મળનાર મેડીકલ એડવાન્સ

૨.  હોસ્પિટલ વધારે દિવસ રહેવા પર રેઇમ્બર્સમેન્ટ

૩.  સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સર્વિસ જે શહેરોમાં ઉપલબ્ધ ના હોય ત્યાં ખર્ચનું રેઇમ્બર્સમેન્ટ

૪.  હોસ્પિટલોમાં કામ કરતા કર્મચારીઓને હોસ્પિટલ પેશન્ટ કેર એલાઉન્સ આપવું.

૫.  સીજીએચએસ સિવાયના બધા કર્મચારીઓ અને પેન્શનરો માટે હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ શરૂ કરવામાં આવે.

૬.  ૧ જાન્યુઆરી ૨૦૦૪ પછી નોકરીમાં જોડાયેલ લોકોને જીપીએફની સુવિધા અપાય

૭.  ગ્રુપ ઇન્સ્યોરન્સ સ્કીમનું રીવીઝન

૮.  સાતમા પગાર પંચની બધી વિસંગતિઓ દૂર કરવામાં આવે.

૯.  ડીએ અને ડીઆર ફ્રીઝ કરવાનો આદેશ પાછો ખેંચવામાં આવે.

૧૦.    નોકરીમાંથી કાઢી મુકાયેલ કર્મચારીની વિધવા પત્નીને ભથ્થુ આપવામાં આવે.

(10:58 am IST)