Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

મહામારી વચ્ચે વકરતી મોંઘવારી:આવકમાં ઘટાડા સામે ઘરખર્ચ વધતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા

રોજિંદી જરુરિયાતની વસ્તુઓ અને અનાજ કરિયાણાના ભાવોમાં થયેલા વધારાના કારણે મોંઘવારી વધી

નવી દિલ્હી :કોરોના મહામારીથી એક બાજુ લોકોની આવક-કમાણી ઘટી છે જો કે બીજી બાજુ ખાદ્યચીજો સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ માટે ઘરખર્ચ ચલાવવું મુશ્કેલ બની ગયુ છે. રોજિંદી જરુરિયાતની વસ્તુઓ અને અનાજ કરિયાણાના ભાવોમાં થયેલા 40 ટકા સુધીના વધારાના કારણે મોંઘવારી વધી રહી છે અને લોકોના ઘરના બજેટ બગડી રહ્યા છે. દરેક ઘરના ખર્ચમાં સરેરાશ પાંચ ટકા સુધીનો વધારો થયો છે. આ આંકડો આ વર્ષે એપ્રિલ જૂન વચ્ચેના છે. ગયા વર્ષના આ જ સમયગાળા દરમિયાન ઘર ચલાવવા માટે જે ખર્ચ થતો હતો તેના કરતા આ વર્ષે તેમાં પાંચ ટકાનો વધારો થયો છે. એક સ્ટાર્ટ અપ કંપનીના રિપોર્ટમાં આ તારણ કાઢવામાં આવ્યું છે.

ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગૂડ્સની કિંમતોમાં વધારાએ છેલ્લા પંદર દિવસનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. લોટ, ખાંડ, દાળ અને રિટેલ સ્ટોર પર મળતી વસ્તુઓના ભાવમાં ઝડપથી વધારો થયો છે. મસાલાના ભાવમાં પણ વધારો દેખાઈ રહ્યો છે. જોકે પેક કરેલી વસ્તુઓના ભાવમાં વધારે તફાવત નથી દેખાયો.

બજારમાં મળતા ચોખાના ભાવમાં 8થી 10 ટકાનો વધારો નોંધાયો છે. ઘઉંના ભાવમાં વધારો થયો હોવાથી લોકલ બ્રાંડના લોટના ભાવમાં 8થી 15 ટકાનો વધારો દેખાઈ રહ્યો છે. ખાદ્ય તેલોના ભાવમાં 40થી 50 ટકાનો વધારો એક વર્ષમાં થયો છે. જે સૌથી વધારે છે.

ખાંડ, કોફી, સાબુ, બિસ્કિટના ભાવ સ્થિર છે પણ આ પ્રોડક્ટસ પરની પ્રમોશનલ સ્કીમોને પાછી ખેંચી લેવાઈ છે. મેગીના ભાવમાં વધારો નથી થયો પણ આ જ ભાવમાં 70ની જગ્યાએ હવે 60 ગ્રામ મેગી મળે છે. તેલના ભાવ વધવાથી નાસ્તાના ભાવમાં 8થી 10 ટકાનો વધારો થયો છે. જ્યારે ડિટરજન્ટ પાવડરની કિંમતો પાંચથી સાત ટકા વધી છે. ચાના ભાવમાં 15થી 20 ટકાનો ઉછાળો છે. માત્ર હેન્ડ સેનેટાઈઝરના ભાવ 20 થી 30 ટકા ઘટ્યા છે.

બીજી તરફ લોકોની આવક ઘટવાથી સસ્તા સામનની માગ પણ વધી છે. બીજી તરફ પાછળથી દુકાનદારો પાસે જે સપ્લાય આવ્યો છે તે મોંઘો થઈ રહ્યો છે. મોંઘવારીના કારણે ઘરાકીમાં 10થી 15 ટકાનો ઘટાડો પણ દેખાઈ રહ્યો છે

(11:31 am IST)