Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ભારતના ધનકુબેરોની કુલ સંપત્તિ ૨૦૨૦માં ૪.૪ ટકા ઘટી

દેશમાં પાંચ કરોડ ડોલરથી વધુ સંપત્તિ ધરાવતા ૪૩૨૦ લોકો

મુંબઇ તા. ૨૩ : ભારતમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, પુનાવાલા તથા કેટલાક અન્ય લોકોની સંપત્તિમાં ઉછાળો આવવા છતાં મહામારીના કારણે ભારે અસરગ્રસ્ત વર્ષ ૨૦૨૦માં દેશમાં અતિ ધનાઢય લોકોની કુલ સંપત્તિ એક વર્ષ પહેલાની સરખામણીમાં ૪.૪ ટકા ઘટીને ૧૨,૮૩૦ અબજ ડોલર રહી છે. આ ઘટાડો રૂપિયાના એકસચેન્જ દરો ઘટવાના કારણે થયો છે.

ક્રેડીટ સૂઇસ રિસર્ચ ઇન્સ્ટીટયૂટના રિપોર્ટ અનુસાર રૂપિયાના એકસચેન્જ દરોમાં ઘટાડાના કારણે ભારતમાં ડોલરના હિસાબે દસ લાખ ડોલરની સંપત્તિવાળા અમીર લોકોની સંખ્યા ૨૦૧૯માં ૭,૬૪,૦૦૦ હતી જે ૨૦૨૦માં ઘટીને ૬,૯૮,૦૦૦ થઇ ગઇ. આ દરમિયાન તેમની કુલ સંપત્તિ ૪.૪ અથવા ૫૯૪ અબજ ડોલર ઘટીને ૧૨,૮૩૩ અબજ ડોલર થઇ ગઇ.

દુનિયાભરના ધનાઢય લોકોમાં ભારતના લોકો ફકત એક ટકા છે. કોરોના પ્રભાવિત આ વર્ષમાં દુનિયાભરમાં તેમની સંખ્યા પર લાખ વધીને ૫.૬૧ કરોડ પહોંચી ગઇ. જો કે રિપોર્ટમાં આશા વ્યકત કરાઇ છે કે ૨૦૨૫ સુધીમાં ભારતમાં આવા કરોડપતિઓની સંખ્યા ૮૧.૮ ટકા વધીને ૧૩ લાખે પહોંચશે.

પ્રત્યેક ભારતીય વયસ્કની સંપત્તિ ૨૦૨૦માં સરેરાશ ૧૪,૨૫૨ ડોલર રહી છે. તેમાં ૨૦૦૦થી ૨૦૨૦ દરમિયાન વાર્ષિક ૮.૮ ટકાનાદરે વધારો થયો છે. જ્યારે વૈશ્વિક સરેરાશ આ દરમિયાન ૪.૮ ટકા રહી હતી. દેશમાં ૪૩૨૦ અતિ ધનાઢય લોકો છે જેમની શુધ્ધ પરિસંપતિ પાંચ કરોડ ડોલરથી વધારે છે.

હુરૂન ઇન્ડીયાની અમીરોની યાદી અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ૨૦૨૦માં દર કલાકે ૯૦ કરોડ રૂપિયા એટલે કે આખા વર્ષમાં ૨,૭૭,૭૦૦ કરોડ રૂપિયા કમાયા જેના લીધે તેમની કુલ સંપત્તિ ૬,૫૮,૪૦૦ કરોડે પહોંચી ગઇ. તો બ્લુમબર્ગની ગણત્રી અનુસાર, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિ આ દરમિયાન ૧૬.૨ અબજ ડોલર વધીને મેના મધ્ય સુધીમાં ૬૭.૬ અબજ ડોલર થઇ ગઇ.

(11:33 am IST)