Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

સીંગદાણામાં ટને ૩૦૦૦ રૂ. તુટયાઃ હવે ટુંક સમયમાં સીંગતેલના ભાવો ઘટશે

યુપી અને બિહારમાં ઉનાળુ મગફળીની પુષ્કળ આવકોની ધારણાએ

રાજકોટ, તા., ૨૩: પરપ્રાંતમાં યુપી અને બિહારમાં ઉનાળુ મગફળીની પુષ્કળ આવકોની ધારણાએ સીંગદાણામાં ટને ૩૦૦૦ રૂ. તુટી ગયા છે. સીંગદાણાના ભાવો ઘટવા લાગતા ટુંક સમયમાં સીંગતેલના ભાવો ઘટે તેવી શકયતા છે.

યુપીના મેનપુર જીલ્લાના માર્કેટ યાર્ડમાં છેલ્લા અઠવાડીયામાં ઉનાળુ મગફળીની દોઢથી બે લાખ ગુણીની આવકો નોંધાઇ છે. યુપીની સાથે બિહારના યાર્ડોમાં ઉનાળુ મગફળીની આવકો શરૂ થઇ છે. પરપ્રાંતમાં ઉનાળુ મગફળીની ધીંગી આવકોની ધારણાએ છેલ્લા ર૪ કલાકમાં સીંગદાણામાં એક કિલોએ  ૩ રૂ. અને ટને (૧૦૦ કિલો)એ ૩૦૦૦ રૂ. ઘટી ગયા છે. સીંગદાણા ૫૦ થી ૬૦ કાઉન્ટના ૮૬૦૦ રૂ. અને સીંગદાણા ૮૦ થી ૯૦ કાઉન્ટના ભાવ ઘટીને ૮ર૦૦૦ રૂ. થઇ ગયા છે.  યુપી અને બિહારમાં ઉનાળુ મગફળીનું મોટા પાયે વાવેતર થયું છે અને ઉત્પાદન પણ બમ્પર થયું છે. આગામી દિવસોમાં આ બંને પ્રાંતમાં ઉનાળુ મગફળીની ધીંગી આવકની  ધારણાએ સીંગદાણાના ભાવો તુટવા લાગ્યા છે. સીંગદાણાના ભાવો તુટવા લાગતા ટુંક સમયમાં સીંગતેલના ભાવો પણ ઘટવા લાગશે તેમ વેપારી સુત્રોએ જણાવ્યું હતું.

(3:17 pm IST)