Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ગરીબ ખેડૂત પુત્રી ભાવના ઓલમ્પીકમાં મહિલા વોકીંગ ર્સ્પધામાં ભારતનું પ્રતિનિધીત્વ કરશે

મન હોય તો માળવે જવાયઃ ૧૩ વર્ષની ઉંમરે પ્રથમ ર્સ્પધાઃ ત્યારબાદ આ ઇવેન્ટને કેરીયર બનાવ્યુ : પિતાની આવક માસીક ૨ હજાર હતીઃ પરિવાર ૧ ટંક ભોજન કરતુઃ ગામ લોકોએ શોર્ટસ પહેરવા બદલ પ્રેકટીસ અટકાવેલ : ભાવનાએ નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યોઃ ૧ કલાક ૨૯ મીટર ૫૪ સેકન્ડમાં ૨૦ કિ.મી.ની ર્સ્પધા જીતી

જયપુરઃ રાજસ્થાન રાજસમંદ જીલ્લાના નાના એવા ગામ કાબરાની ચર્ચા આજે દેશભરમાં થઇ રહી છે. કેમ કે આ ગામની ૨૫ વર્ષીય એથલીટ ભાવના જાટે જાપાનમાં યોજાનાર ટોકયો ઓલમ્પીકમાં કવોલીફાય કર્યુ છે.

ભાવના ભારત તરફથી મહિલા વોકીંગ કોમ્પીટીશનમાં ભાગ લેશે. ભાવના જયારે ૧૩ વર્ષની હતી ત્યારે તેની શાળાના વ્યાયામ શિક્ષકે તેને જીલ્લા સ્તરની ર્સ્પધામાં  ભાગ લેવા જણાવેલ. મોડુ થવાના કારણે ફકત વોકીૅગ ર્સ્પધામાં ચયન બાકી હતું. તેમાં ભાવનાનો બીજો નંબર આવેલ. બસ ત્યારથી જ તેણે આ રમતને ભવિષ્ય બનાવવાનું નક્કી કરેલ

ત્રણ ભાઇ -બહેનોમાં સૌથી નાની ભાવનાને ૨૦૧૭માં રેલ્વેમાં ટીકીટ કલેકટરની નોકરી મળી હતી. ત્યારબાદ તેની આર્થિક સ્થિતીમાં સુધાર આવ્યો હતો. ખેડૂત પુત્રી ભાવનાએ જણાવેલ કે પિતા પાસે માત્ર ૨ વિઘા જમીન છે અને એક સમય એવો હતો કે જયારે આખો પરિવાર એક જ સમય ભોજન કરતો. પિતાની આવક પણ ૨ હજાર રૂપિયા મહિનાની હતી.

ભાવનાએ ૨૦૨૦માં રાંચીમાં આયોજીત ૨૦ કિ.મી. વોકીંગ રેસમાં રાષ્ટ્રીય ચેમ્પીયનશીપમાં ૧ કલાક ૨૯ મીનીટ અને ૫૪ સેકન્ડમાં રેસ પુરી કરી ગોલ્ડ જીતવાની સાથે ટોકયો ઓલમ્પીકમાં પણ સ્થાન પાકુ કરેલ. જો કે ઓલમ્પીકનો કવોલીફીકેશન માર્ક ૧ કલાક ૩૧ મીનીટ હતો.

ભાવના હાલ પોતાના કોચ ગુરમુખ સિહાગ સાથે જયપુરમાં ટ્રેનીંગ લઇ રહી  છે. તેણે અત્યાર સુધીમાં કોઇ જુનીયર કે સીનીયરની રાષ્ટ્રીય કક્ષાની ર્સ્પધામાં ભાગ નથી લીધેલ. તે એથ્લેટીકસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેશનલ કેમ્પમાં પણ નથી ગઇ.

શરૂમાં જયારે ભાવનાએ ગામમાં જ ટ્રેનીંગ કરવી પડેલ ત્યારે ગામના લોકોને છોકરીને શોર્ટસ પહેરીને ટ્રેનીંગ લેવાનું પસંદ ન આવેલ. તેઓએ વિરોધ કરવાની સાથે ભાવનાની ટ્રેનીંગ પણ બંધ કરાવેલ. પણ પરિવારે ભાવનાનો પુરો સાથ આપેલ.

(3:19 pm IST)