Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ભારતમાં દેખાયેલા ડેલ્‍ટા વેરિયંટથી અમેરિકા પણ ફફડયું

વેક્‍સિન લેનારાને માસ્‍ક ના પહેરવાની છૂટ આપી દેનારૂ અમેરિકા ડેલ્‍ટા પ્‍લસ વેરિયંટથી ટેન્‍શનમાં: ૨ સપ્તાહમાં ડબલ થયા આ વેરિયંટના કેસ : ડેલ્‍ટા વેરિયંટે કોરોના પર મહદઅંશે કાબૂ મેળવી લેનારા અમેરિકાની ચિંતા વધારી : યુકેમાં પણ ડેલ્‍ટા વેરિયંટના કેસોમાં વધારો થવાથી અનલોકની પ્રક્રિયા લંબાવાઈ : USમાં અપાતી ફાઈઝર વેક્‍સિન ડેલ્‍ટા વેરિયંટ સામે ૮૮ ટકા પ્રોટેક્‍શન આપે છે : ડો.ફાઉચીએ આપી ચેતવણી

વોશિંગ્‍ટન, તા.૨૩: ભારતમાં દેખાયેલા નોવેલ કોરોનાવાયરસના સૌથી ઝડપથી ફેલાતા ડેલ્‍ટા વેરિયંટને લઈને અમેરિકાના ચેપી રોગના નિષ્‍ણાંત ડો. એન્‍થોની ફાઉચીએ ચેતવણી આપી છે. અમેરિકાના પ્રમુખના એડવાઈઝર ડો. ફાઉચીએ જણાવ્‍યું છે કે કોરોના પર કાબૂ મેળવી લેનારા અમેરિકા માટે પણ જોખમરુપ છે. મંગળવારે વ્‍હાઈટ હાઉસ બ્રિફિંગમાં જણાવ્‍યું હતું કે અમેરિકામાં દેખાઈ રહેલા નવા કેસોમાં ૨૦ ટકા દર્દીઓ ડેલ્‍ટા વેરિયંટના છે. માત્ર બે સપ્તાહમાં જ આ ડેલ્‍ટા વેરિયંટના દર્દીઓમાં દસ ટકાનો ઉછાળો આવ્‍યો છે.

અમેરિકા જેવી જ સ્‍થિતિ યુકેમાં પણ દેખાઈ રહી છે. ડો. ફાઉચીએ વર્ચ્‍યુઅલ પ્રેસ કોન્‍ફરન્‍સમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્‍યું હતું કે કોરોના પર કાબૂ મેળવવાના પ્રયાસો સામે મોટો પડકાર ઉભો કરી શકે તેમ છે. જોકે, અમેરિકામાં જે વેક્‍સિન અપાઈ રહી છે તે ડેલ્‍ટા વેરિયંટ સામે રક્ષા આપે છે, જે મોટી રાહતની વાત છે તેમ પણ તેમણે કહ્યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, ડેલ્‍ટા વેરિયંટ સામે લડવાનું આપણી પાસે હથિયાર છે જેનો આપણે તેની સામે ઉપયોગ કરવો રહ્યો.

ભારત સરકારે ડેલ્‍ટા પ્‍લસ વેરિયંટને ચિંતાનો વિષય ગણાવ્‍યાના થોડા જ સમયમાં અમેરિકાની નેશનલ ઈન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ એલર્જી એન્‍ડ ઈન્‍ફેશિયસ ડિસીઝના વડા ડો. ફાઉચીએ પણ તેની સામે ચિંતા વ્‍યક્‍ત કરી છે. ભારતમાં મહારાષ્ટ્રમાં જ ૨૨થી વધુ સેમ્‍પલમાં ડેલ્‍ટા પ્‍લસ વેરિયંટ પકડાયો છે. આ ઉપરાંત કેરળના છ અને મધ્‍ય પ્રદેશમાં પણ તેની હાજરી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, ડેલ્‍ટા વેરિયંટે જ ભારતમાં બીજી લહેર દરમિયાન હાહાકાર મચાવ્‍યો હતો અને હવે તે ડેલ્‍ટા પ્‍લસમાં પરિણમ્‍યો છે.

મહારાષ્ટ્રમાં મહિનામાં કોરોનાની ત્રીજી લેહર શરુ થવાની આશંકા, ૪૦ લાખને લાગી શકે ચેપ

વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઈઝેશનના ચીફ સાયન્‍ટિસ્‍ટે પણ શુક્રવારે જણાવ્‍યું હતું કે ડેલ્‍ટા વેરિયંટ આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. યુકેમાં આલ્‍ફા વેરિયંટ કરતાં પણ ડેલ્‍ટા વેરિયંટના કેસ વધી ગયા છે. હાલ યુકેમાં ૯૦ ટકા જેટલા નવા કેસ ડેલ્‍ટા વેરિયંટના હોવાથી દેશમાં અનલોકની પ્રક્રિયામાં પણ મોડું થઈ રહ્યું છે. આલ્‍ફા વેરિયંટ કરતાં ડેલ્‍ટા વેરિયંટ ખૂબ જ ઝડપથી ફેલાય છે તેવું હવે વૈજ્ઞાનિકો પણ માની રહ્યા છે. ડાઙ્ઘ. ફાઉચીના જણાવ્‍યા અનુસાર, આલ્‍ફા વેરિયંટની સરખામણીએ ડેલ્‍ટા વેરિયંટમાં હોસ્‍પિટલાઈઝેશનનું જોખમ પણ વધારે રહે છે.

ઈમ્‍પિરિયલ કોલેજ ઓફ લંડન દ્વારા એક લાખ જેટલા ઘરોનો સર્વે કરવામાં આવ્‍યો હતો. જેમાં એવું બહાર આવ્‍યું હતું કે ડેલ્‍ટા વેરિયંટનો પોઝિટિવિટી રેટ ૬૫ વર્ષથી વધુ વય ધરાવતા વ્‍યક્‍તિની સરખામણીમાં ૫-૧૨ વર્ષના બાળકોમાં અને ૧૮-૨૪ વર્ષના યુવાનોમાં પાંચ ગણો વધારે છે.

ડો. ફાઉચીએ અમેરિકામાં નોંધાયેલા ડેલ્‍ટા વેરિયંટના કેસોના આંકડા આપતા જણાવ્‍યું હતું કે, દેશમાં બે સપ્તાહમાં તેના કેસ ડબલ થઈ ગયા છે. આ સંજોગોમાં વેક્‍સિનેશન જ એકમાત્ર ઉપાય છે. તેમણે કહ્યું હતું કે ફાઈઝર વેક્‍સિનનો બીજો ડોઝ લીધાના બે સપ્તાહ બાદ શરીરમાં ડેલ્‍ટા વર્ઝન સામે ૮૮ ટકા જયારે આલ્‍ફા વર્ઝન સામે લડવાની ૯૩ ટકા ક્ષમતા વિકસી જાય છે.

(3:35 pm IST)