Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

૧ જુલાઈથી બદલાઈ જશે ટેકસ, રસોઈ ગેસ, બેંક સહિત ૫ મોટા નિયમો

નવી દિલ્હી, તા.૨૩: સામાન્ય જનતાથી જોડાયેલા ઘણાં નિયમો ૧ જુલાઈથી બદલાઈ જવાના છે. જેની સીધી અસર તમારા ખિસ્સા અને ઘરના બજેટ પર પડશે. તો ચાલો જાણી લો આ નિયમો વિશે.

૧ જુલાઈથી એલપીજી એટલે કે રસોઈ ગેસના સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર આવી શકે છે. દર મહિને તેલ કંપનીઓ રસોઈ ગેસના નવા ભાવ જાહેર કરે છે. ત્યારે જુલાઈમાં રસોઈ ગેસ અને કોમર્શિયલ સિલેન્ડરમાં ભાવ વધે છે કે નહીં તે જોવાનું રહ્યું.

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઇ (એસબીઆઇ) તેના એટીએમમાંથી પૈસા ઉપાડવા, બેંક શાખામાંથી પૈસા ઉપાડવા અને ચેક બુક અંગેના નિયમોમાં ફેરફાર કરવા જઇ રહી છે. આ નવા નિયમો આવતા મહિનાથી ૧ જુલાઈથી અમલમાં આવશે. એસબીઆઈ બેસિક સેવિંગ બેંક ડિપોઝિટ એકાઉન્ટમાં દર મહિને ચાર વખત ફ્રીમાં કેશ ઉપાડી શકાય છે. જેમાં એટીએમ અને બેંક શાખાઓ સામેલ છે. બેંક ફ્રી લિમિટ પછી દરેક ટ્રાન્ઝેકશન પર ૧૫ રૂપિયા પ્લસ જીએસટી લેશે. હોમ બ્રાન્ચ અને એટીએમ અને એસબીઆઈ સિવાયના એટીએમ પર રોકડ ઉપાડના ચાર્જ લાગુ પડશે.

એસબીઆઈ BSBD એકાઉન્ટ હોલ્ડર્સને એક ફાઈનાન્શિયલ ઈયરમાં ૧૦ ચેકની કોપી મળે છે. હવે ૧૦ ચેકવાળી ચેકબુક પર પણ ચાર્જિસ પેટે ૪૦ રૂપિયા અને જીએસટી આપવું પડશે.

૨૫ ચેક લીવ માટે બેંક ૭૫ રૂપિયા અને જીએસટી ચાર્જ લેશે.  ૧૦ પાનાની ઈમરજન્સી ચેકબુક માટે ૫૦ રૂપિયા અને જીએસટી ચાર્જ લાગશે. વરિષ્ઠ નાગરિકોને આ ચાર્જિસમાં છૂટ આપવામાં આવશે.  બેંક બીબીએસડી ખાતાધારકો દ્વારા હોમ બ્રાન્ચ કે અન્ય બેંક બ્રાન્ચમાંથી પૈસા ઉપાડવામાં ચાર્જ નહીં લાગે.

જો તમે હજી સુધી આવકવેરા રીટર્ન ફાઇલ કરી શકયા નથી, તો વહેલી તકે તેને ભરી દો. આવકવેરાના નિયમો અનુસાર, જો તમે ૩૦ જૂન સુધીમાં તમારો રીટર્ન ફાઇલ નહીં કરો તો ૧ જુલાઈથી તમારે ડબલ ટીડીએસ ભરવો પડશે. આ જ કારણ છે કે આ નિયમથી આઇટીઆર ફાઇલ કરવાની બીજી તક આપવામાં આવી છે. આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ હોય છે પરંતુ આ તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે.

કેનરા બેંક ૧ જુલાઈ ૨૦૨૧થી સિન્ડીકેટ બેંકનું IFSC code બદલવા જઈ રહી છે. સિન્ડીકેટ બેંકના બધાં જ કસ્ટમરે તેમની બ્રાન્ચથી અપડેટેડ કોડ વિશે જાણકારી લેવાનું કહેવામાં આવ્યું છે. કેનરા બેંક તરફથી કહેવામાં આવ્યું છે કે સિન્ડીકેટ બેંકના વિલય પછી IFSC codeમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો ગ્રાહકો IFSC code અપડેટ નહીં કરાવે તો ૧ જુલાઈથી NEFT, RTGS અને IMPS જેવી સુવિધાઓનો લાભ નહીં મળે.

(4:37 pm IST)