Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

જૈસી કરની વૈસી ભરની

ત્રાસવાદીઓના 'આકા' નાલાયક હાફીઝ સઇદના નિવાસ નજીક બોંબ ધડાકો : ૨ના મોત : ૧૫ને ઇજા

લાહોરમાં ધડાકો થયો ત્યારે હરામખોર હાજર હતો કે નહિ એ સ્પષ્ટ થયું નથી

લાહોર તા. ૨૩ : પાકિસ્તાનમાં છુપાયેલા મુંબઈ હુમલાના આરોપી હાફિઝ સઈદના લાહોરના જોહર ટાઉનમાં સ્થિત ઘરની નજીક એક મોટો વિસ્ફોટ થયો હતો. એક અહેવાલ અનુસાર, જોહર ટાઉનમાં આ હુમલામાં ૨ લોકોના મોત થયા છે જયારે ૧૨ લોકો ઘાયલ થયા છે. બચાવ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધડાકો એહસન મુમતાઝ હોસ્પિટલના ઇ બ્લોક નજીક થયો હતો. આ હુમલામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એમ્બ્યુલન્સ સર્વિસના પ્રવકતાએ જણાવ્યું હતું કે હજી સુધી સ્પષ્ટ નથી થઈ શકયું કે વિસ્ફોટનું કારણ શું છે. તેમણે કહ્યું, 'હજી સુધી અમે તે નક્કી કરી શકયા નથી કે ગેસ પાઇપલાઇન ફાટ્યો કે સિલિન્ડરો વિસ્ફોટને કારણે થયા.' પરંતુ અમે ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. પરિસ્થિતિ જોતાં ઘાયલોની સંખ્યા વધી શકે છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે વિસ્ફોટનું કારણ હજી સ્પષ્ટ નથી. પ્રવકતાએ કહ્યું કે, અમારી પાસે હજી સુધી વિસ્ફોટના પુષ્ટિ અહેવાલ નથી.

એક ટીવી ચેનલ સાથે વાત કરતા લાહોરના ડેપ્યુટી કમિશનર મુદાસિર રિયાઝ મલિકે જણાવ્યું હતું કે વિસ્ફોટમાં મહિલાઓ અને બાળકો સહિત ૧૨ લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી, મલિકે કહ્યું કે આ મામલે તપાસ કરવામાં આવશે ત્યારે જ વિસ્ફોટના કારણો જાણી શકાશે. હાલમાં સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. તેમજ નજીકમાં રહેતા લોકોને ઘરની અંદર રહેવાનું કહેવામાં આવ્યું છે.

લાહોરના સીસીપીઓ ગુલામ મહેમૂદ ડોગરે એક નિવેદનમાં જણાવ્યું છે કે ઘાયલોને જીન્ના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે વિસ્ફોટના કારણોની જાણકારી મળી રહી છે. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે નાગરિકોને બ્લાસ્ટ સ્થળથી દૂર રાખે જેથી બચાવ અને રાહતનાં પ્રયત્નો અવરોધાય નહીં. દરમિયાન, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન, ઉસ્માન બુઝધારે વિસ્ફોટની નોંધ લીધી છે અને આઈજીને આ ઘટનાની તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.

દરમિયાન એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, આ ફૂટેજમાં રસ્તાની અંદરથી બ્લાસ્ટ થયો હોવાનું જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેસ પાઇપલાઇન રસ્તાની નીચેથી જી રહી હતી. જોકે, હજી સુધી તેની પુષ્ટિ થઈ નથી કે પાઇપલાઇનમાં જ વિસ્ફોટ થયો હતો કે બોમ્બનો ઉપયોગ થયો હતો. હાલમાં તપાસ ચાલી રહી છે.

(4:37 pm IST)