Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ભારત અને અમેરિકાની નૌ સેના હિન્‍દ મહાસાગર ક્ષેત્રેમાં અમેરિકી નૌ સેના કેરિયર સ્‍ટ્રાઇક ગ્રુપ રોનાલ્‍ડ રીગન સાથે બે દિવસ વ્‍યાપક નૌ સૈનિક અભ્‍યાસમાં જોડાશે

ભારતીય નૌસેના બુધવારથી હિંદ મહાસાગર ક્ષેત્રમાં અમેરિકી નૌસેના કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ (સીએસજી) રોનાલ્ડ રીગન સાથે બે દિવસીય વ્યાપક નૌસૈનિક અભ્યાસમાં હિસ્સો લેશે. જે બંને નૌસેનાઓ વચ્ચે વધી રહેલા ઓપરેશનલ સપોર્ટને દર્શાવે છે. અધિકારીઓ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી હતી.

ભારતીય વાયુસેનાએ જણાવ્યું કે, તેઓ પણ હિંદ મહાસાગર ક્ષેત્રમાં તૈનાત અમેરિકી સીએસજી સાથે અભ્યાસ દરમિયાન ત્યાંની સેના સાથે સંચાલન સંબંધી કાર્યમાં ભાગ લેશે.

એક વાહક યુદ્ધ સમૂહ અથવા એટેકિંગ સમૂહ એક વિશાળ નૌસૈનિક કાફલો છે જેમાં એક વિમાન વાહક જહાજનો સમાવેશ થાય છે. તે સિવાય મોટી સંખ્યામાં વિધ્વંસક, ફ્રિગેટ અને અન્ય જહાજનો પણ સમાવેશ થાય છે.

નૌસેનાના અધિકારીઓએ જણાવ્યું કે, ભારતીય નૌસેનાના જહાજ કોચ્ચિ અને તેગ ઉપરાંત પી8આઈ સમુદ્રી મોનિટરીંગ વિમાનનો કાફલો અને મિગ 29કે જેટ આ અભ્યાસમાં સહભાગી બનશે.

ભારતીય નૌસેનાના પ્રવક્તા કમાન્ડર વિવેક મધવાલે જણાવ્યું કે, આ બે દિવસીય અભ્યાસનું લક્ષ્ય દ્વિપક્ષીય સંબંધ અને સહયોગને વધુ મજબૂત બનાવવાનું છે.

(5:16 pm IST)