Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમા ઈરાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ સંસ્કૃતનો અભ્યાસ કરશે

વિદેશના વિદ્યાર્થીઓને સરકાર ખર્ચ આપશે :સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ICCRના લિસ્ટમાં સામેલ: BA, MA વીથ સંસ્કૃત અને Ph.Dના અભ્યાસને મંજૂરી

વેરાવળમાં આવેલી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દેશવિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂકી છે. તાજેતરમાં જ અહીં સરકારની શિષ્યવૃત્તિ પર પ્રવેશ મેળવવા વિદેશના 9 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જે પૈકી ઇરાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના 3 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે

આ અંગે યુનિ.ના અનુસ્નાતક ભવનના વડા ડો. લલિતકુમાર પટેલે જણાવ્યું હતું કે, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી હવે આઇસીસીઆર (ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ)ના લિસ્ટમાં પણ સામેલ થઇ છે. આ એ માળખું છે જેમાં વિદેશના વિદ્યાર્થીઓને સરકારના ખર્ચે અહીંની યુનિ.ના વિવિધ કોર્સમાં એડમિશન મળી શકે. આ વર્ષે તેમાં જુદા જુદા 9 દેશોના વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જેમાં સંસ્કૃતમાં અભ્યાસ કરવા માંગતા 3 વિદ્યાર્થીઓની અરજી સ્વિકારાઇ હતી. આ વિદ્યાર્થીઓમાં ઇરાનના ફર્શાદ સાલેઝેહીને બીએ વિથ સંસ્કૃતમાં પ્રવેશ અપાયો છે.

 

બાંંગ્લાદેશના વિદ્યાર્થી રથીન્દ્રો સરકારને પીએચડી માટે પ્રવેશ અપાયો છે. તો એમએ સંસ્કૃતના અભ્યાસ માટે અફઘાનિસ્તાનના મંસૂર સંગીનને પ્રવેશ અપાયો છે. આમ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગોપબંધુ મિશ્ર, કુલસચિવ ડો. દશરથ જાદવ સહિતના પ્રયત્નોથી દેશ વિદેશમાં નામના મળી છે.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા 4 નવા અભ્યાસક્રમની શરૂઆત કરાઈ છે. જેમાં 4 વર્ષની મુદ્દતનો ઈન્ટિગ્રેટેડ બીએ કોર્સ, એમએ જનરલ સંસ્કૃત, ઘેરબેઠાં સંસ્કૃતભાષામાં એમએ, અને સંસ્કૃતનો ડિપ્લોમા. જે પૈકી એમએ જનરલ સંસ્કૃતમાં કોઈપણ વિદ્યાશાખાના ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકે છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં 94 વિદ્યાર્થીઓએ પીએચડી ની પદવી મેળવી છે. અત્યારે અહીં 61 વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં જુદા જુદા વિષયો પર પીએચડી કરે છે.

(8:18 pm IST)