Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

રાજસ્થાનમાં કોંગ્રેસના જૂથવાદ વચ્ચે અપક્ષ ધારાસભ્યોએ બેઠક કરતા રાજકીય ગરમાવો : અશોક ગેહલોતના સમર્થનનો આપ્યો સંકેત :બેઠકમાં 13 માંથી 12 અપક્ષ ધારાસભ્યો હાજર

ગયા વર્ષે ગહેલોત સરકાર ઉપર કટોકટી સર્જાઈ હતી ત્યારે અપક્ષ ધારાસભ્યોએ ગહેલોત જૂથને ટેકો આપીને સરકારને પડતી બચાવી હતી.

રાજસ્થાન કોંગ્રેસના કકળાટ વચ્ચે અપક્ષ ધારાસભ્યોએ એક બેઠક યોજાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે, આ બેઠકમાં 13 માંથી 12 અપક્ષ ધારાસભ્યો હાજર રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે  ગયા વર્ષે જ્યારે ગેહલોત સરકાર ઉપર કટોકટી સર્જાઈ હતી, ત્યારે અપક્ષ ધારાસભ્યોએ ગહેલોતને ટેકો આપીને સરકારને પડતી બચાવી હતી. અત્યારે રાજસ્થાનમાં ગેહલોત અને પાઇલટ જૂથ વચ્ચેનો રાજકીય દ્વંદ્વ ચરમસીમાએ છે. આવી સ્થિતિમાં અપક્ષ ધારાસભ્યોની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બેઠક પછી જે રીતે અપક્ષ ધારાસભ્યો મીડિયા સમક્ષ બહાર આવ્યા છે તે સ્પષ્ટ છે કે તમામ 12 ધારાસભ્યો ફરી એકવાર અશોક ગેહલોતના સમર્થનમાં ઉભા છે.

બેઠકમાં ઉપસ્થિત અપક્ષ ધારાસભ્ય સન્યામ લોઢાએ જણાવ્યું હતું કે, અપક્ષ ધારાસભ્યોની આ બેઠક બાદ ગેહલોત સરકારને ગ્રામ સેવક અને પટવારીની ખાલી જગ્યાઓ ભરવા માટે યોગ્ય પગલા ભરવાની વિનંતી કરવામાં આવી છે જેથી સરકારી કામકાજો સુધરી શકાય. આ ઉપરાંત કરારના કામદારોને પણ નિયમિત કરવા સરકાર તરફથી માંગ કરવામાં આવી છે.

 મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરતાં અપક્ષ ધારાસભ્યોએ પણ કોવિડ -19 ની રોકથામ માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓની પ્રશંસા કરી છે.

 પાઇલટ કેમ્પ કેબિનેટ વિસ્તરણ અને રાજકીય નિમણૂકો માટેની તેની માંગ અંગે અવાજ ઉઠાવે છે. પરંતુ આ મુદ્દે પણ પાયલોટ કેમ્પને અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળતું હોય તેમ લાગતું નથી. આ બેઠકમાં અપક્ષ ધારાસભ્યોએ પણ મંત્રીમંડળના વિસ્તરણ અંગે ચર્ચા કરી છે. અપક્ષ ધારાસભ્ય સન્યામ લોઢાએ કહ્યું કે મુખ્ય પ્રધાન નિર્ણય કરશે કે મંત્રીમંડળનો વિસ્તાર ક્યારે થવો જોઈએ અને કેબિનેટમાં કોને સ્થાન મળવું જોઈએ. રાજ્યના લોકોના હિતની વાત નથી કે આ અંગે સરકાર ઉપર દબાણ લાવવું જોઈએ.

(9:37 pm IST)