Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

કતારમાં કુંવારાઓને ચેતવણીઃ સેક્‍સ કર્યું તો ૭ વર્ષની જેલ

કતારમાં સેક્‍સને લઈને કડક નિયમો કરવામાં આવ્‍યા છેઃ પતિ કે પત્‍ની સિવાય અન્‍ય કોઈની સાથે સહમતિથી સેક્‍સ કરવું પણ ગેરકાયદેસર છે અને આકરી સજાની જોગવાઈ છે

નવી દિલ્‍હી,તા.૨૩: તમને બધાને ખબર હશે કે સ્‍ટેડિયમમાં બેસીને મેચ જોવાની મજા જ કંઈક ઔર હોય છે. તે પણ જયારે મેચ વર્લ્‍ડકપની હોય. મોજમસ્‍તી, પાર્ટી, બૂમાબૂમ.. આ બધું મેદાનમાં અને મેદાનની બહાર જોવા મળે છે. પરંતુ નવેમ્‍બરમાં કતારમાં આયોજિત ફિફા વર્લ્‍ડ કપ જોવા આવનારા ચાહકોએ કડક નિયમોનું પાલન કરવું પડશે.

વાસ્‍તવમાં કતારમાં સેક્‍સને લઈને કડક નિયમો કરવામાં આવ્‍યા છે. પતિ કે પત્‍ની સિવાય અન્‍ય કોઈની સાથે સહમતિથી સેક્‍સ કરવું પણ ગેરકાયદેસર છે અને આકરી સજાની જોગવાઈ છે. તેથી જો કતાર આવતા સિંગલ્‍સ કોઈની સાથે સેક્‍સ કરતા પકડાયા તો પોલીસ તેમની ધરપકડ કરી શકે છે. એવું નથી કે બીજા છૂટી જશે, હોમોસેક્‍સ્‍યુઅલ રિલેશનશિપમાં રહેતા કપલ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. નિયમોનું પાલન ન કરનાર દર્શકોને જેલ ભોગવવી પડી શકે છે, તે પણ એક-બે નહીં પરંતુ ૭ વર્ષની... સાંભળીને આંચકો લાગ્‍યોને, પણ આ હકીકત છે. તમને જણાવી દઈએ કે, આ વખતે કતાર ફૂટબોલ વર્લ્‍ડકપનું આયોજન કરી રહ્યું છે.

જયારે, કતાર ફૂટબોલ એસોસિએશનના જનરલ સેક્રેટરી મન્‍સૂર અલ અન્‍સારીએ જણાવ્‍યું છે કે તેઓ રમતોમાં મેઘધનુષ્‍યવાળા રંગીન ધ્‍વજ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યા છે. તેમણે કહ્યું કે જો તમે LGBTQ વિશે તમારો વિચાર પ્રદર્શિત કરવા માંગો છો, તો તેને એવા સમાજમાં પ્રદર્શિત કરો જયાં તેને સ્‍વીકારવામાં આવે.

કતારમાં લગ્નની બહાર સેક્‍સ અને સમલૈંગિકતા ગેરકાયદેસર છે. એવામાં કતારની હોટલો અલગ-અલગ અટક ધરાવતા કપલ્‍સને રૂમ આપી રહી નથી. કતરમાં ફિફા વર્લ્‍ડકપ ૨૦૨૨ના મુખ્‍ય કાર્યકારી અધિકારી નાસેરે જણાવ્‍યું છે કે દરેક ચાહકની સુરક્ષા અમારા માટે સૌથી મહત્‍વપૂર્ણ છે. ઓપન રોમાંસ આપણી સંસ્‍કૃતિનો ભાગ નથી. જો કોઈ અહીં આવી રહ્યું છે તો દેશના નિયમોનું પાલન કરવું પડશે.

કતારે અહીં આવતા ફૂટબોલ ચાહકોને ચેતવણી આપી છે કે આ વર્ષના ફૂટબોલ વર્લ્‍ડકપમાં વન-નાઈટ સ્‍ટેન્‍ડ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. જો કોઈ આમાં સંડોવાયેલું જોવા મળશે તો તેણે સાત વર્ષ સુધી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.

એક અંગ્રેજી વેબસાઈટના અહેવાલમાં કતાર પોલીસને ટાંકીને જણાવ્‍યું છે કે જો તમે પતિ-પત્‍ની તરીકે આવી રહ્યા છો તો સારું છે. પરંતુ જો તમે આ રીતે આવી રહ્યા નથી તો સેક્‍સ તમારા માટે દૂરનું સપનું સાબિત થઈ શકે છે. આ વર્ષના વર્લ્‍ડકપમાં પહેલીવાર સેક્‍સ પ્રતિબંધિત છે. એટલું જ નહીં, તમને પાર્ટીઓનો શોખ હોય તો આવતા નહીં કારણ કે ઘોંઘાટવાળી પાર્ટીઓ પર પણ પ્રતિબંધ છે. નોંધનીય છે કે મેચ બાદ દારૂ પીવો અને પાર્ટી કરવી એ વર્લ્‍ડ કપમાં ચાહકોનો ટ્રેન્‍ડ રહ્યો છે.

(10:40 am IST)