Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

મહારાષ્‍ટ્રમાં હવે શું હશે રાજ્‍યપાલની ભૂમિકા? સૌની નજર ફલોર ટેસ્‍ટના કાયદા પર

શું વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય લેશે ? કે પછી સમગ્ર મામલો ફલોર ટેસ્‍ટ સુધી પહોંચી જશે?

નવી દિલ્‍હી તા. ૨૩ : મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ ઝડપથી બદલાઈ રહી છે. મુખ્‍યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી ખતરામાં છે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ સિંદેએ ૪૦થી વધુ ધારાસભ્‍યોના સમર્થનનો દાવો કર્યો છે. આવી સ્‍થિતિમાં ઠાકરેની સરકાર હવે લઘુમતીમાં આવી ગઈ હોવાના સંકેતો મળી રહ્યા છે. તેથી હવે તમામની નજર મહારાષ્ટ્રના રાજયપાલ ભગત સિંહ કોશ્‍યરી પર ટકેલી છે. શું તે વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય લેશે? અન્‍યથા સમગ્ર મામલો ફલોર ટેસ્‍ટ સુધી પહોંચી જશે. ચાલો આ કાયદાકીય ખેલને વિગતવાર સમજીએ.

રાજયપાલની સત્તાને સમજતા પહેલા, સૌ પ્રથમ આપણે જાણીએ કે ફલોર ટેસ્‍ટ શું છે. આ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા નક્કી કરવામાં આવે છે કે વર્તમાન સરકાર કે મુખ્‍યમંત્રી પાસે પૂરતી બહુમતી છે કે નહીં. અહીં રાજયપાલ કોઈપણ રીતે હસ્‍તક્ષેપ કરી શકે નહીં. પરંતુ આ મામલામાં સુપ્રીમ કોર્ટે રાજયપાલ અને વિધાનસભા અધ્‍યક્ષના અધિકારીને લઈને મહત્‍વની ટિપ્‍પણી કરી છે.

બંધારણની કલમ ૧૭૪(૨)(બી) રાજયપાલને કેબિનેટની સલાહ પર વિધાનસભા ભંગ કરવાની સત્તા આપે છે. પરંતુ રાજયપાલ પોતે પણ તેનો ઉપયોગ કરી શકે છે. ખાસ કરીને જયારે તેમને લાગે છે કે વર્તમાન મુખ્‍યમંત્રીને ધારાસભ્‍યોનું ઓછું સમર્થન છે. જેમ કે આ સમયે ઉદ્ધવ ઠાકરે સાથે જોવા મળી રહી છે.

કલમ ૧૭૪(૨)(બી)માં પણ ઘણા કાયદાકીય દાવ છે. વર્ષ ૨૦૨૦માં પણ સુપ્રીમ કોર્ટે આ અંગે ઘણી મહત્‍વપૂર્ણ ટિપ્‍પણીઓ કરી હતી. આ મામલો મધ્‍ય પ્રદેશ વિધાનસભા અને શિવરાજ સિંહ ચૌહાણ સાથે સંબંધિત હતો. સુપ્રીમ કોર્ટે ફલોર ટેસ્‍ટ માટે બોલાવવાના સ્‍પીકરના અધિકારને યથાવત રાખ્‍યો હતો. કોર્ટે કહ્યું હતું કે જો પ્રથમ દૃષ્ટિએ તેમને લાગે છે કે સરકારે બહુમતી ગુમાવી દીધી છે, તો તેઓ ફલોટ ટેસ્‍ટ માટે બોલાવી શકે છે. તે જ સમયે, જસ્‍ટિસ ડીવાય ચંદ્રચુડ અને હેમંત ગુપ્તાની બે જજની બેન્‍ચે કહ્યું હતું કે, ‘રાજ્‍યપાલને ફલોર ટેસ્‍ટનો આદેશ આપવાની સત્તાથી વંચિત કરી શકાય નહીં. જો રાજયપાલને લાગે છે કે સરકારના ગૃહમાં સંખ્‍યા ઓછી છે, તો તેઓ ઇચ્‍છે તો ફલોટ ટેસ્‍ટ માટે બોલાવી શકે છે.

મધ્‍યપ્રદેશમાં પણ આવી જ સ્‍થિતિ હતી.

કલમ ૧૭૫(૨) હેઠળ, રાજયપાલ પણ ફલોર ટેસ્‍ટ સાબિત કરવા માટે ગૃહને બોલાવી શકે છે. એક વિગતવાર ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે રાજયપાલની સત્તા અને ફલોર ટેસ્‍ટના અવકાશ વિશે જણાવ્‍યું હતું. વર્ષ ૨૦૨૦માં મધ્‍યપ્રદેશના રાજયપાલને પણ આવી જ સ્‍થિતિનો સામનો કરવો પડ્‍યો હતો. જયોતિરાદિત્‍ય સિંધિયા કેમ્‍પના ધારાસભ્‍યો ભાજપમાં જોડાયા હતા અને કોંગ્રેસના તત્‍કાલીન મુખ્‍યમંત્રી કમલનાથે રાજયપાલને વિધાનસભા ભંગ કરવા કહ્યું હતું. રાજયપાલે તેના બદલે ફલોર ટેસ્‍ટ માટે બોલાવ્‍યા.

કાયદો એમ પણ કહે છે કે જયારે ગૃહનું સત્ર ચાલુ હોય ત્‍યારે વિધાનસભાના અધ્‍યક્ષ ફલોર ટેસ્‍ટ માટે બોલાવી શકે છે. પરંતુ જયારે સત્ર ચાલુ ન હોય તો કલમ ૧૬૩ હેઠળ રાજયપાલ ફલોર ટેસ્‍ટ માટે બોલાવી શકે છે. યાદ રહે કે આ સમયે મહારાષ્ટ્રમાં સત્ર ચાલી રહ્યું નથી.

(10:49 am IST)