Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

સફેદ દાઢી અને પાઘડીવાળા આ ભાઈ અમિતાભ બચ્‍ચન છે કે શું ?

મુંબઈ, તા.૨૩: બોલિવુડના દિગ્‍ગજ અભિનેતા અને મહાનાયક અમિતાભ બચ્‍ચન સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્‍ટિવ રહે છે. તેઓ પોતાની તસવીરો ઉપરાંત વિવિધ ટ્‍વિટ્‍સ અને પોસ્‍ટ્‍સ દ્વારા પણ લાઈમલાઈટમાં રહેતા હોય છે. જોકે તાજેતરમાં એક ખૂબ જ અલગ જ કારણસર તેમનું નામ ચર્ચામાં આવ્‍યું છે.

સોશિયલ મીડિયામાં એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ઘણાં લોકો તેને અમિતાભ બચ્‍ચનની તસવીર માની રહ્યા છે. હકીકતે વાયરલ થઈ રહેલી આ તસવીર એક અફઘાની રેફયુજી એટલે કે, શરણાર્થીનો થોડા વર્ષો પહેલાનો ફોટો છે અને અમુક લોકો તેને બિગ-બીની તસવીર સમજીને ગફલત ખાઈ રહ્યા છે. પ્રખ્‍યાત ફોટોગ્રાફર સ્‍ટીવ મેકકયુરીએ આ તસવીરને પોતાના કેમેરામાં કેદ કરી હતી અને ૨૦ જૂનના રોજ ‘વર્લ્‍ડ રેફયુજી ડે' એટલે કે વિશ્વ શરણાર્થી દિવસ નિમિત્તે તેને ઈન્‍સ્‍ટાગ્રામ પર શેર કરી હતી. ત્‍યાર બાદ તે ફોટો ખૂબ જ વાયરલ થવા લાગ્‍યો છે અને લોકો આ અફઘાની શરણાર્થીને અમિતાભ બચ્‍ચન સમજીને વિવિધ અટકળો લગાવી રહ્યા છે. તસવીરમાં દેખાઈ રહેલા શખ્‍સ તદ્દન બિગ-બી જેવા જ લાગે છે જેથી લોકો પોસ્‍ટ પર સતત પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ તસવીર ૨૦૧૮ના વર્ષની છે અને તે સમયે પણ ખૂબ જ ચર્ચામાં આવી હતી. તે સમયે લોકો આ તસવીર અમિતાભ બચ્‍ચનની ફિલ્‍મ ‘ઠગ્‍સ ઓફ હિંદુસ્‍તાન'ના સેટની હોવાનું માની રહ્યા હતા. ત્‍યારે ફરી એક વખત આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. કેટલાક લોકો આ તસવીર અમિતાભ બચ્‍ચનના આગામી ફિલ્‍મના લુકની હોવાનું પણ માની રહ્યા છે. તસવીરમાં એક અફઘાની રેફયુજી માથે ધૂળિયા રંગની મેલી-ઘેલી અને ફાટેલી પાઘડીમાં જોવા મળી રહ્યા છે. તેમની જમણી આંખ પાઘડી વડે ઢંકાયેલી છે તથા કાળા રંગની ગોળ ફ્રેમના ચશ્‍મા તેમના લુકને વધુ ઈફેક્‍ટિવ બનાવી રહ્યા છે. ઉપરાંત ચહેરા પર રફનેસ અને સફેદ દાઢી તેમને બિલકુલ અમિતાભ બચ્‍ચનનો લુક આપે છે.

(3:55 pm IST)