Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

દેશમાં ઓક્સિજનના અભાવને કારણે કોઈ મોત નહીં ! કેન્દ્રીય મંત્રી માંડવીયા વિરુદ્ધ કેસ દાખલ

કેન્દ્ર અને રાજ્ય સરકારોના દાવાની વાત કોર્ટમાં પહોંચી : મુઝફ્ફરપુરની સીજેએમની કોર્ટમાં કેસ : 28મીએ સુનવણી

નવી દિલ્હી :  કોરોનાની બીજી લહેર દરમિયાન, દેશમાં ઓક્સિજનના અભાવને કારણે કોઈ મોત ન થયું હોવાના કેન્દ્ર અને રાજ્ય સરકારોના દાવાની વાત કોર્ટમાં પહોંચી છે. બિહારના મુઝફ્ફરપુરની કોર્ટમાં ગુરુવારે મુઝફ્ફરપુરની સીજેએમની કોર્ટમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા અને આરોગ્ય રાજ્યમંત્રી ડો. ભારતી પ્રવીણ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટ આ અંગે 28 જુલાઇએ સુનાવણી કરશે.

મુઝફ્ફરપુર જિલ્લાનાં આહિયાપુરના ભીખનપુરામાં રહેતી તમન્ના હાશ્મીએ એડવોકેટ સૂરજ કુમાર દ્વારા આ અરજી કરી છે. જેમાં કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણના નિવેદન સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઓક્સિજનના અભાવે હાશ્મીના ગામમાં જ ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ફરિયાદીએ સંસદમાં પ્રધાન ભારતી પ્રવીણના નિવેદનને બેજવાબદાર ગણાવ્યું છે.

આ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે દેશમાં ઓક્સિજનની માંગ પ્રથમ કોરોના લહેરની તુલનામાં બીજી લહેરમાં નોંધપાત્ર વધી હતી. ઓક્સિજનની માંગ પ્રથમ લહેરમાં 3,095 ટન હતી, જ્યારે બીજી લહેરમાં તે 9,000 ટન પર પહોંચી હતી.

દેશમાં ઓક્સિજનની માંગ અછતથી કોઈ મોત થયું નથી, જ્યારે વિપક્ષ અને મીડિયાએ આ અંગે હોબાળો મચાવ્યો ત્યારે કેન્દ્રીય પ્રધાન માંડવીયાએ ટ્વીટ કર્યું હતું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રિપોર્ટના આધારે આ માહિતી આપવામાં આવી છે.

(12:00 am IST)