Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

બંગાળની ખાડીમાં બ્રિટન અને ભારતીય નૌકાદળની ત્રણ દિ ' સંયુક્ત લશ્કરી કવાયત

બંને દેશોના ૧૦ યુદ્ધજહાજો, ૨ સબમરીન અને ૨૦ લડાકુ વિમાનો સામેલ

નવી દિલ્હી :  બ્રિટિશ રોયલ નેવી અને ઈન્ડિયન નેવીએ બંગાળની ખાડીમાં સંયુક્ત રીતે લશ્કરી કવાયત હાથ ધરી હતી. આ લશ્કરી કવાયતમાં બંને દેશોના ૧૦ યુદ્ધજહાજો, ૨ સબમરીન અને ૨૦ લડાકુ વિમાનો સામેલ થયા હતા. આ લશ્કરી કવાયત ત્રણ દિવસ સુધી ચાલશે.

હિંદ મહાસાગરમાં મેરિટાઈમ સહયોગ વધારવાના ભાગરૃપે બ્રિટિશ રોયલ નેવીના યુદ્ધજહાજો અને લડાકુ વિમાનો હિંદ મહાસાગરમાં આવી પહોંચ્યા હતા. બ્રિટનનું વિખ્યાત યુદ્ધજહાજ એચએમએસ ક્વિન એલિઝાબેથ સહિતના યુદ્ધજહાજ અને લડાકુ વિમાનોએ ભારતીય નોકાદળ સાથે મળીને બંગાળની ખાડીમાં લશ્કરી કવાયત કરી હતી.
બ્રિટિશ નેવીના યુદ્ધજહાજ ઉપરાંત ડિસ્ટ્રોયર, ફ્રિગેડ, સબમરીન, માઈન સ્વીપર જહાજનો કાફલો ભારત સાથે યુદ્ધાભ્યાસ માટે આવી પહોંચ્યો હતો. બ્રિટિશ નેવીએ હિંદ મહાસાગરમાં સૌથી વિશાળ યુદ્ધજહાજ સાથે આવીને યુદ્ધાભ્યાસ કર્યો હોય એવું પહેલી વખત બન્યું છે.
બંને દેશોના મળીને ૧૦ યુદ્ધજહાજો, બે સબમરીન, ૨૦ લડાકુ વિમાનો અને ચાર હજાર સૈનિકોએ યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો હતો. બ્રિટિશ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે બંને દેશોના નૌકાદળ વચ્ચે સહકાર વધારવાના ભાગરૃપે અને એક બીજાની ટેકનિકમાં સહયોગ કરવાના ઈરાદે આ લશ્કરી કવાયત હાથ ધરાઈ હતી. થોડા સમય પછી એટલાન્ટિક મહાસાગરમાં ભારત-બ્રિટિશ નૌકાદળ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત થશે. બ્રિટનમાં જઈને ભારતીય નેવી ઓગસ્ટમાં સંયુક્ત કવાયત કરે તેવી શક્યતા છે.

(12:21 am IST)