Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

બકરી ઇદ નિમિત્તે પાકિસ્તાની પત્રકારે લીધો ભેંસનો ઇન્ટરવ્યૂ! જવાબ સાંભળી આવી જશે હસવું : વિડીઓ વાયરલ

પોતાના અનોખા અંદાજને લઇને પ્રખ્યાત પાકિસ્તાની પત્રકાર અમીન હાફિઝ ફરીથી એક ઈન્ટરવ્યૂને લઈને ચર્ચામાં આવ્યા

લાહોર,તા.૨૩: પોતાના અનોખા અંદાજને લઇને પ્રખ્યાત પાકિસ્તાની પત્રકાર અમીન હાફિઝ ફરીથી એક ઈન્ટરવ્યૂને લઈને ચર્ચામાં આવ્યા છે. અમીન હાફિઝ એક પાકિસ્તાની પત્રકાર છે. તેઓ દ્યણા વર્ષોથી ન્યૂઝ રિપોર્ટિંગ કરી રહ્યા છે અને તાજેતરમાં તેમણે ભેંસનું ઈન્ટરવ્યૂ લીધું છે. બકરી ઈદના અવસર પર તેમણે ભેંસનું ઈન્ટરવ્યૂ લીધું છે. અમીન હાફિઝ હાથમાં માઈક લઈને સ્માઈલ સાથે ભેંસનું ઈન્ટરવ્યૂ લઈ રહ્યા છે. હાફિઝ કેઝયુઅલી ભેંસને સવાલ પૂછી રહ્યા છે અને ભેંસ સવાલની સામે પ્રતિક્રિયા આપી રહી છે. અમીન હાફિઝ સવાલ પૂછી રહ્યા છે કે, 'હાંજી તમે જણાવો, તમને લાહોરમાં આવીને કેવું લાગી રહ્યું છે?' આ સવાલ પર ભેંસ ભાંભરીને પ્રતિક્રિયા આપે છે, ત્યારબાદ હાફિઝ ઉત્સાહ સાથે કેમેરા સામે જોઈને કહે છે કે, 'લાહોર સારુ લાગ્યું... વાહ જી વાહ (ભેંસને લાહોર ખૂબ જ પસંદ છે)'

એન્કર સવાલ પૂછે છે કે, 'જણાવો કે લાહોરનું ભોજન સારું છે કે ગામડાનું ભોજન સારુ છે? (તમને કયું ભોજન પસંદ છે? લાહોરનું કે ગામડાનું ભોજન?)'

ભેંસ ફરી એક વાર ભાંભરીને આ સવાલની પ્રતિક્રિયા આપે છે. આ સવાલ બાદ હાફિઝે આ ઈન્ટરવ્યૂ પૂર્ણ કરતા કહ્યું કે, 'ભેંસ હા કહે છે કે તેને લાહોરનું ભોજન પસંદ છે. (હા ભેંસને લાહોરનું ભોજન પસંદ છે.)'

પત્રકાર નૈલા ઈનાયતે આ વીડિયો કિલપ ટ્વિટર પર શેર કરી હતી અને આ કિલપ અનેક લોકોએ જોઈ છે. ગયા વર્ષે પત્રકાર અમીન હાફિઝ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. જેમાં અમીન હાફિઝ શાહી સમ્રાટના કપડામાં તૈયાર થયો હતો અને હાથમાં તલવાર હતી અને લાહોરમાં ચેનલ જીયો ન્યૂઝ માટે સમાચાર વાંચી રહ્યો હતો.

અમીન હાફિઝ વર્ષ ૨૦૧૬માં પશુઓના ન્યૂઝ પર સ્પેશ્યલ કવરેજ કરી રહ્યા હતા. લાહોરમાં પશુઓ રોડ ક્રોસ કરવા માટે ફૂટ ઓવરબ્રિજનો કેવી રીતે ઉપયોગ કરે છે તેના પર ન્યૂઝ કવર કરી રહ્યા હતા. તેમણે પોતાનો જીવ જોખમમાં મુકયો હતો અને ટ્રાફિકમાં ન્યૂઝ કવર કર્યા હતા.

હાફિઝે ભેંસને સવાલ પૂછ્યો હતો કે, શું તેમના માટે પુલ ઉપયોગ કરવો તે મુશ્કેલભર્યું કામ છે? તેઓ કહી રહ્યા હતા કે કોઈ પણ જાનવર માટે સીડીઓ ચઢવી તે સરળ વાત નથી. ત્યારબાદ એક ન્યૂઝ રિપોર્ટીંગમાં તેણે ગધેડા પર બેસીને રિપોર્ટીંગ કર્યું હતું.

(11:32 am IST)