Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

જીએસટી રજિસ્ટ્રેશન નંબરની ફાળવણી પહેલા હવેનાણાકીય સદ્ધરતા ચકાસાશે

બોગસ બિલિંગ અટકાવવા માટે નવો નિયમ લાગુ કરવાની પેરવી : બોગસ બિલિંગમાં પકડાયા તો રજિસ્ટ્રેશન નંબર તાત્કાલિક રદ થઇ જશે

મુંબઇ,તા. ૨૩: બોગસ બિલીંગના કેસ અટકાવવા માટે હાલમાં સ્થળ તપાસની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ આધારકાર્ડ અને પાનકાર્ડ લીંક હોય તો જ ઝડપથી જીએસટી રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવે છે. તેમ છતાં બોગસ બિલીંગના કેસમાં ઘટાડો થવાના બદલે સતત વધારો થઈ રહ્યો છે. આ માટે જીએસટી રજીસ્ટ્રેશન નંબર લેવા માટે સ્થળ તપાસ કરવાની સાથે સાથે રજીસ્ટ્રેશન નંબર માંગનારની નાણાકીય સધ્ધરતા પણ તપાસ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવાની વિચારણા કરાઈ રહી છે.

જેથી અધિકારી જયારે સ્થળ તપાસ કરવા જાય ત્યારે તે જે પેઢી શરૂ કરવા માંગે છે તેનો પાછલા વર્ષમાં બેંક ટ્રાન્ઝેકશન કેટલું છે તેની પણ વિગતો મંગાવાશે. તેના આધારે રજિસ્ટ્રેશન નંબર ફાળવવામાં આવે તેવી કાર્યવાહી કરવા વિચારણા કરવામાં આવી રહી હોવાની વિગતો જાણવા મળી છે. (૨૨.૮)

નાણાકીય વિગતોના આધારે વોચ રખાશે

નાણાકીય સધ્ધરતાના આધારે આવી પેઢીઓને અલગ તારવીને તેઓ પર સતત મોનીટરીંગ કરવામાં આવશે. કારણ કે જે પેઢીની નાણાકીય ક્ષમતા જ ૧૦ કરોડની આસપાસ હોય અને તે એક જ મહિનામાં દસ કરોડ રૂપિયાના બિલિંગ કરે તો આવી પેઢી પર અધિકારી જઇને દસ્તાવેજની પુરતી ચકાસણી કરશે. જેથી બોગસ બિલીંગ કરવામાં આવે તો શરૂઆતમાં જ તેને અટકાવી દેવાય અને સરકારને કરોડો રૂપિયાનો ચુનો લાગતો અટકી શકે તેમ છે.

(11:33 am IST)