Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

માઇક્રોસોફટના રિસર્ચમાં ખુલાસો

આ વર્ષે ટેકનીકલ છેતરપિંડીનો સૌથી વધારે ભોગ બન્યા ભારતીયો

નવી દિલ્હી તા. ૨૩ : દુનિયાભરમાં ટેક સપોર્ટ સ્કેમ (ટેકનીક દ્વારા છેતરપિંડી)ના શિકાર ગ્રાહકોમાં સૌથી વધારે ભારતીયો છે. માઇક્રોસોફટના ગ્લોબલ ટેક સપોર્ટ સ્કેમ રિસર્ચના રિપોર્ટ અનુસાર ભારતમાં ૨૦૨૧માં આવા કેસની સંખ્યા ૬૯ ટકાના ઉચ્ચ દરે જોવા મળી. બિનવાંછીત કોલ દ્વારા છેતરપિંડીના કેસ વધ્યા છે. છેતરપિંડીના શિકાર એક તૃત્યાંશ ભારતીયોએ પોતાના નાણા ગુમાવ્યા છે.

માઇક્રોસોફટે ભારત, ઓસ્ટ્રેલીયા, જાપાન અને સિંગાપુર સહિત ૧૬ દેશોમાં આ સર્વે કર્યો હતો. તેમાં ૧૬૨૫૪ વયસ્ક ઇન્ટરનેટ યુઝર્સ (દરેક દેશના લગભગ ૧૦૦૦) સામેલ હતા. આવો જ સર્વે કંપની ૨૦૧૬ અને ૨૦૧૮માં પણ કરી ચૂકી છે.

રિસર્ચ અનુસાર ૨૦૨૧માં ૬૯ ટકા લોકો ટેક સપોર્ટ સ્કેમનો શિકાર થયા હતા. આ આંકડા જો કે ૨૦૧૮ના ૭૦ ટકાની આજુબાજુ જ છે. જો કે આ સમયગાળામાં વૈશ્વિક સ્તરે ૫૯ ટકા સાથે પાંચ ટકાનો ઘટાડો થયો છે.

ભારતમાં ૨૦૨૧માં આ પ્રકારની છેતરપિંડીમાં નાણા ગુમાવનારને સરેરાશ ૧૫૩૩૪ રૂપિયાનું નુકસાન થયું. જો કે પૈસા ગુમાવનારામાંથી ૮૮ ટકા યેનકેન પ્રકારે પૈસા પાછા મેળવી શકયા. પાછા પૈસા મેળવવાની સરેરાશ ૧૦૭૯૭ રૂપિયા છે. પૈસા ગુમાવનારાઓમાંથી ૪૩ ટકાએ બેંક ટ્રાન્સફર, ૩૮ ટકાએ ગીફટ કાર્ડ, ૩૨ ટકાએ ક્રેડીટ કાર્ડ અને ૨૫ ટકાએ બીટકોઇન દ્વારા પેમેન્ટ કર્યું હતું.

(11:34 am IST)