Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

મુંબઈના ગોવંડી વિસ્તારમાં ઈમારત ધસી પડતા ૭ લોકોના મોત

સાતારા જિલ્લામાં પહાડ પરથી કાટમાળ પડવાના કારણે અનેક લોકો ફસાયાઃ ૧૦ને બચાવી લેવાયા

નવી દિલ્હી, તા.૨૩: મહારાષ્ટ્રમાં વરસાદના કારણે ખૂબ જ ખરાબ સ્થિતિ વ્યાપી છે. આ બધા વચ્ચે મુંબઈના ગોવંડી વિસ્તારમાં એક ભારે મોટી દુર્ઘટના બની છે. ગોવંડી ખાતે એક બિલ્ડિંગ ધરાશયી થવાના કારણે આશરે ૭ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મુંબઈ પોલીસના કહેવા પ્રમાણે ગોવંડીના શિવાજી નગર વિસ્તારમાં મકાન ધસી પડવાની ઘટના બની છે. તેમાં ૭ લોકોના મોત થયા છે અને અન્ય ૩ લોકોને ઈજાઓ થઈ છે. દુર્ઘટના બાદ બીએમસીની ટીમ દ્યટના સ્થળે પહોંચી ગઈ હતી જયારે ફાયર બ્રિગેડ અને અન્ય ટીમો પણ રાહત-બચાવ કાર્ય કરવા માટે પહોંચી છે.

આવી જ એક ઘટના તાજેતરમાં સાતારા જિલ્લામાં બની હતી જયાં પહાડ પરથી કાટમાળ પડવાના કારણે અનેક લોકો ફસાયા હતા. અત્યાર સુધીમાં ૧૦ લોકોને ત્યાંથી બચાવી લેવામાં આવ્યા છે અને અન્ય ૫દ્ગક શોધખોળ ચાલુ છે.

સતત વરસી રહેલા વરસાદના કારણે આ સ્થળે પહાડ પરથી કાટમાળ નીચે આવ્યો હતો જેથી દેવરૂખની આજુબાજુના ગામોમાં તેની અસર દેખાવાની ચાલુ થઈ હતી. પહાડ પરથી કાટમાળ ધસવાના કારણે અનેક સ્થળે ઝાડ પડી ગયા હતા અને મોટા મોટા ખાડા પડ્યા હતા. બાદમાં પ્રશાસન દ્વારા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં સતત વરસાદના કારણે સ્થિતિ ખરાબથી અતિ ખરાબ થઈ રહી છે. મહારાષ્ટ્રના આશરે એક ડઝન જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે અને નદીઓમાં ઘોડાપૂર સાથે ગામડાઓ સાથેનો સંપર્ક તૂટી રહ્યો છે.

(2:51 pm IST)